બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હંમેશા પોતાના બેબાક અંદાજ અને અંગત જીવન વિશે ખુલીને વાત કરવા માટે જાણીતી છે. હાલમાં જ સ્વરાએ પોતાના અંગત જીવનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સ્વરાએ જણાવ્યું કે, ફહાદ અહમદ સાથે લગ્ન કરતા પહેલા તેણે એ વાત સ્વીકારી લીધી હતી કે કદાચ તે ક્યારેય લગ્ન નહીં કરે. જોકે, એક વાત માટે તે મક્કમ હતી કે તેને માતા તો બનવું જ છે. 'રાઇઝ એન્ડ ફોલ સિઝન 2' નામના શોમાં અન્ય સ્પર્ધકો સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કબૂલાત કરી હતી કે તેણે લગ્ન પહેલાં જ IVF દ્વારા માતા બનવાનો નિર્ણય કરી લીધો હતો.
લગ્ન વિના માતા બનવાના આ મોટા નિર્ણય અંગે જ્યારે સ્વરાએ તેના માતા-પિતા સાથે વાત કરી ત્યારે તેમનું રિએક્શન પણ જાણવા જેવું હતું. સ્વરાના કહેવા મુજબ, શરૂઆતમાં તો આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયા હતા અને તેમને આ વાત સમજવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેમની દીકરી ખરેખર આ ઈચ્છે છે, ત્યારે તેઓ માની ગયા હતા. સ્વરાના માતા-પિતાએ તેને સમજાવી હતી કે આપણા દેશના સમાજમાં લગ્ન વિના સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કરવો ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. છતાં પણ, દીકરીની ખુશી ખાતર તેમણે સહમતિ આપી દીધી હતી.
સ્વરાએ વધુમાં જણાવ્યું કે આ માત્ર કોઈ વિચાર કે ચર્ચા પૂરતું સીમિત નહોતું. તેણે માતા બનવા માટે ખરેખર પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા. તેણે એક ડોનરની મદદથી IVF પ્રક્રિયા માટે બે વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ કમનસીબે તેમાં તેને સફળતા મળી ન હતી. આમ, માતા બનવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેણે સ્વીકારી લીધું હતું કે કદાચ તેનું સિંગલ મધર બનવાનું સપનું પૂરું નહીં થાય.
જોકે, ત્યારપછી સ્વરાના જીવનમાં એક સુંદર વળાંક આવ્યો. જાન્યુઆરી 2020માં તેની મુલાકાત ફહાદ અહમદ સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ જે ટૂંક સમયમાં જ પ્રેમમાં પરિણમી અને તેઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા. આખરે 16 ફેબ્રુઆરી 2023ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ પરિવાર અને મિત્રોની હાજરીમાં પરંપરાગત રીતે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્ન પછી તરત જ તેઓને એકસાથે ઘણી ખુશખબર મળી અને 23 સપ્ટેમ્બર 2023ના રોજ સ્વરાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેથી તેનું માતા બનવાનું સપનું આખરે સાકાર થયું.