Mon Oct 05 2026

Logo

ફોકસઃ વરસાદની સિઝનમાં મહિલા માટે હેલ્ધી ડાયટ

2026-09-22 09:43:00
Author: Rekha Deshraj
ફોકસઃ વરસાદની સિઝનમાં મહિલા માટે હેલ્ધી ડાયટ

રેખા દેશરાજ

વરસાદની સિઝન ભલે ગરમીથી રાહત આપે છે, પરંતુ એ સ્વાસ્થ્ય માટે ઘણા બધા પડકાર લઈને આવે છે, કારણ કે આ મોસમમાં વાતાવરણમાં ભેજ ઘણો વધી જાય છે જેનાથી બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસ ઝડપથી ફેલાય છે. એથી શરદી, વાઇરલ તાવ, ફૂડ પૉઇઝનિંગ અને પાચનને સંબંધી સમસ્યાઓ વધી જાય છે. મહિલાઓ માટે આ મોસમ એટલા માટે મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે તેઓ ઘર અને ઑફિસ એમ બેવડી જવાબદારી નિભાવતી હોય છે. એટલે તેમણે આ મોસમમાં પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો થાક, કમજોરી કે અન્ય ચેપી રોગનો ખતરો વધી શકે છે. 

જાણકારોનું માનવું છે કે વરસાદની સિઝનમાં સ્વસ્થ રહેવાનો સૌથી આસાન અને પ્રભાવી ઉપાય છે સંતુલિત, તાજું અને પૌષ્ટિક ભોજન. યોગ્ય ડાયટ મહિલાઓમાં ફક્ત રોગપ્રતિકારક ક્ષમતા જ વધારતી નથી, પરંતુ તેમની સુંદરતામાં પણ નિખાર લાવે છે. તેમની ત્વચા, વાળ વગેરેમાં સ્વસ્થ ડાયટની અસર સાફ દેખાતી હોય છે. એટલે વરસાદની સિઝનમાં હેલ્થી ડાયટ કરવું જરૂરી છે. ચાલો જાણીએ એ કેવી રીતે સંભવ છે.

પ્રોટીન અને વિટામિન સીવાળું ડાયટ લો

આ મોસમમાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી હોય છે. એટલે ભોજનમાં વિટામિન સી, ઍન્ટિ-ઑક્સિડેન્ટ અને પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થ સામેલ કરો. લીલાં પાંદડાંવાળી શાકભાજી, શીમલા  મરચાં અને ટમેટાં વગેરેનો વિશેષ ઉપયોગ કરો. આ ઉપરાંત આમળા, લીંબુ, સંતરા, પેરુ જેવાં ફળો પણ ખાવાનું રાખો જેના કારણે શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી શકે. આ ઉપરાંત રાજમા, ચણા, મગની દાળ  અને પનીર જરૂર ખાઓ જેનાથી શરીરને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન મળી રહે. વરસાદની સિઝનમાં ગરમ અને તાજું ભોજનનો જ આગ્રહ રાખવો. વાસી ખોરાક ખાવાનું ટાળો. ઘણા સમય સુધી ફ્રીઝમાં રાખેલું ભોજન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે 

પાચનનું વિશેષ ધ્યાન રાખો

વરસાદની સિઝનમાં ઘણી વાર પેટ ખરાબ થઈ જતું હોય છે. એટલે બીજી મોસમની સરખામણીમાં આ મોસમમાં આપણે આપણા પાચનતંત્રનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. એ માટે આપણે હલકું અને સંતુલિત ભોજન કરવું જોઈએ જેથી એ સહેલાઈથી પચી શકે. વરસાદની સિઝનમાં દહીં ખૂબ જ મુશ્કેલીથી પચે છે અને એને પચવામાં ઘણો સમય લાગે છે. એટલે તમે દહીંને આસાનીથી પચાવી શકતા હો તો એ લો, પરંતુ ઓછી માત્રામાં.  જો તમે છાશનો ઉપયોગ કરતા હો તો એમાં શેકેલા જીરુંનો પાઉડર અને ફુદીનો જરૂર મેળવો. જોકે જેમને આ મોસમમાં વારંવાર ગળાની સમસ્યા થતી હોય તેમણે આનાથી બચવું જોઈએ કે પછી ડૉક્ટરની સલાહ લઈને લેવું જોઈએ.

આયર્નની ઊણપ ન હોવી જોઈએ

આ મોસમમાં કૅલ્શિયમ કે આયર્નની ઊણપ ન થવા દેવી જોઈએ. એ માટે વરસાદની સિઝનમાં તમારે પાલક, મેથી, બીટરૂટ અને યોગ્ય માત્રામાં ગોળનું સેવન કરવું જોઈએ. કિસમિસ, દાલ તથા તલ પણ આ મોસમમાં ખૂબ જ ફાયદેમંદ હોય છે, કારણ કે એ આયર્ન અને વિટામિન સીથી ભરપૂર હોય છે. જો તમે દૂધને સહેલાઈથી પચાવી શકતા હો તો દૂધ નહીં તો દહીં કે પનીરને પણ તમારા ડાયટનો હિસ્સો બનાવી શકો છો. એની સાથે પર્યાપ્ત માત્રામાં પાણી પણ પીવાનું રાખો અને બહારનું ખાવાથી બચો.

મોસમનો આનંદ સ્વાસ્થ્ય સાથે

વરસાદની મોસમનો તમે ત્યારે જ આનંદ લઈ શકો જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય. આ સિઝનમાં ચાયની સાથે પકોડાનો આનંદ લો, પરંતુ ક્યારેક અને સ્વાદ માટે. એને રોજની આદત ન બનાવતા.                                          

વરસાદમાં ડાયટના ગોલ્ડન રુલ્સ

-હંમેશાં તાજું અને ગરમ ભોજન કરો.
-મોસમી ફળો અને લીલી શાકભાજી જરૂર ખાઓ.
-દુકાનમાં કાપેલાં ફળો, સલાડ કે સ્ટ્રીટ ફૂડ ન ખાઓ.
-આ મોસમમાં ભોજનમાં દાલ, અંકુરિત અનાજ અને પ્રોટીનની યોગ્ય માત્રા સામેલ કરો.
-વાસી ભોજન ખાવાથી બચો.
-રોજ પયાપ્ત માત્રામાં પાણી પીઓ અને લીંબુ પાણી, છાશ પણ લો.