Thu Sep 10 2026

Logo

અમેરિકામાં બે ભારતીય મહિલાના શંકાસ્પદ મોત: ફ્રેન્ડની પોલીસે કરી અટકાયત, પરિવારના ગંભીર આક્ષેપ

Sacramento   2026-08-31 18:59:37
Author: Devayat Khatana
અમેરિકામાં બે ભારતીય મહિલાના શંકાસ્પદ મોત: ફ્રેન્ડની પોલીસે કરી અટકાયત, પરિવારના ગંભીર આક્ષેપ

સેક્રામેન્ટો: અમેરિકાના કેલિફોર્નિયામાં બે ભારતીય મહિલાઓની સંદિગ્ધ હત્યાની ચોંકાવનારી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મૃતકોની ઓળખ કેરળના ત્રિશુરની વતની અંજના અને તિરુવનંતપુરમની એન મેરી મેથ્યુ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં પોલીસે મૃતક મહિલાઓની મિત્ર અને કોટ્ટાયમની વતની અનિલાની શંકાના આધારે અટકાયત કરી છે. 

પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે આ બંને યુવતીઓની હત્યા તેમની જ મિત્ર અનિલાએ કરી છે. ગત શનિવારે તારીખે પરિવારને મળેલી માહિતી મુજબ, અંજનાનું મોત કથિત રીતે હિટ એન્ડ રનની ઘટનામાં થયું હતું, જ્યારે એન મેરી મેથ્યુ પોતાના ઘરના રૂમમાં ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી અને ત્યાંથી એક છરી પણ જપ્ત કરવામાં આવી છે.

પરિવારના જણાવ્યા અનુસાર, અંજના, અનિલા અને એન મેરી અમેરિકા ગયા બાદ એકબીજાની ખૂબ નજીકની મિત્રો બની હતી. સ્થાનિક કાઉન્સિલરે માહિતી આપી હતી કે એન મેરી લગભગ પાંચ વર્ષ પહેલાં તેના પતિની નોકરીના કારણે પરિવાર સાથે અમેરિકા શિફ્ટ થઈ હતી. 

શરૂઆતમાં તેની પાસે કામ કરવાની મંજૂરી ન હતી, પરંતુ ભણાવવાનો શોખ ધરાવતી એન મેરીને તાજેતરમાં જ વર્ક પરમિટ મળ્યા બાદ તેણે શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું હતું. ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું અને તેના પતિ બહાર ગયા હતા. બીજી તરફ, અંજના ચાર વર્ષ પહેલાં છેલ્લે પોતાના ઘરે કેરળ આવી હતી અને તે પોતાની પાછળ પતિ તથા સાત વર્ષની માસૂમ દીકરીને છોડી ગઈ છે.

આ ત્રણેય ગાઢ મિત્રો વચ્ચે એવો કયો મોટો વિવાદ થયો કે મામલો હત્યા સુધી પહોંચી ગયો, તે અંગે પરિવાર હજુ પણ સાવ અજાણ છે. કાઉન્સિલરના મતે આ કોઈ જૂની પારિવારિક મિત્રતા નહોતી, પરંતુ અમેરિકામાં સ્થાયી થયા પછી આ મિત્રતા બંધાઈ હતી. કેલિફોર્નિયા પોલીસે આ સમગ્ર ઘટનાક્રમની અલગ-અલગ પાસાઓથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, તપાસના અંતે જ સત્ય બહાર આવી શકે છે. 

આ સંવેદનશીલ મામલે કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ પણ સક્રિયતા દાખવીને અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ સાથે વાતચીત કરી હોવાની વિગતો જાણવા મળી હતી. તેમણે બંને મૃતદેહોને વહેલી તકે ભારત પરત લાવવા માટે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી સંસ્થાઓને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરવાના સત્તાવાર નિર્દેશ આપ્યા છે.