Mon Oct 05 2026

Logo

લગ્નના માત્ર 5 મહિના બાદ જ અલગ થયા બાદશાહ-ઈશા રિખી, ઈન્સ્ટા. પોસ્ટ પર લખ્યો મેસેજ

2026-09-01 09:52:00
Author: Mumbai Samachar Team
લગ્નના માત્ર 5 મહિના બાદ જ અલગ થયા બાદશાહ-ઈશા રિખી, ઈન્સ્ટા. પોસ્ટ પર લખ્યો મેસેજ

મુંબઈઃ જાણીતા રેપસોંગ કિંગ બાદશાહના અંગત જીવનમાં બીજીવાર મોટી તિરાડ પડી ગઈ છે. પંજાબી એક્ટ્રેસ ઈશા રિખી સાથે લગ્ન તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી કેટલીક અટકળ સામે હવે પોસ્ટ દ્વારા આ વાતની ખાતરી થઈ ગઈ છે. આ પોસ્ટ શૅર કરીને સ્પષ્ટ કર્યું છે કે, બન્ને અલગ થઈ ગયા છે.

બાદશાહ (આદિત્ય પ્રતિકસિંહ સિસોદિયા)એ એક્ટ્રેસ ઈશા રિખી સાથે પોતાના સંબંધો પૂરા કર્યાનો ખુલાસો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી બન્નેના સંબંધોમાં ખટાશ પેશી ગઈ હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક પોસ્ટ મૂકીને છૂટાછેડાનું એલાન કરાયું છે. 

અફવા ન ફેલાવવા અપીલ
આ વાવડ સામે આવતા મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ બાદશાહના ફેન્સ ચોંકી ગયા હતા. બન્નેએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય બન્નેએ સહ-સહમતીથી લીધો છે. હવે તેઓ પોતપોતાની અંગત જિંદગીમાં આગળ વધવા માગે છે. બાદશાહે પોતાની ઈન્સ્ટા. સ્ટોરી પર લખ્યું હતું કે, બન્ને એકબીજાના સન્માન સાથે  છૂટા પડી રહ્યા છે. બાદશાહે લખ્યું કે, મેં અને ઈશાએ મળીને અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા રસ્તાઓ જુદા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એકબીજાના સન્માન સાથે લેવામાં આવ્યો છે.


લોકોને અપીલ કરીએ છીએ કે, આ મુશ્કેલીભરી ક્ષણમાં અમારી પ્રાયવસીનો ખ્યાલ રાખજો.બાદશાહે એ વાત પણ સ્પષ્ટ કરી કે, આ તેનું પહેલું અને સ્પષ્ટ, અંતિમ નિવેદન છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ યુઝર્સ અને ફેન્સને અપીલ કરતા કહ્યું કે, આ સંબંધને લઈને કોઈ જ પ્રકારની અફવા ફેલાવવામાં ન આવે. 

એક પોસ્ટથી આશંકા મજબૂત થઈ
જુલાઈ મહિનાથી જ બન્ને વચ્ચે ખટાશ ચાલી રહી છે એ વાત સામે આવી હતી. એ સમયે ઈશાએ પોતાના ઈન્સ્ટા. પર બાદશાહ સાથે પોતાની કેટલીટ જૂની તસવીર શૅર કરી હતી. વીડિયો શૅર કર્યા હતા. આ પોસ્ટ સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ મૂકી હતી કે, 'હર તુફાન એક સબક હોતા હૈ, હર દુઆ એક ઉમ્મીદ'. આ પોસ્ટ સાથે તેણે બ્રોકન હાર્ટ વાળું ઈમોજી શૅર કર્યું હતું. આ પોસ્ટ પછી ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, બન્ને વચ્ચે કંઈક તો ડખો થઈ રહ્યો છે. બન્ને કોઈ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા એ સમયે વધારે મજબૂત બની જ્યારે ઈશાની માતાએ કર્મના ફળ સાથે જોડાયેલી એક પોસ્ટ શૅર કરી હતી. લોકોએ આ પોસ્ટને બન્નેના સંબંધો સાથે જોડીને ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા હતા. વાવડ હવે એવા સામે આવી રહ્યા છે કે, ઈશા સલમાન ખાનના રિયાલિટી શૉ 'બિગબોસ-20'માં જોવા મળી શકે છે. આ ચર્ચાએ હવે જોર પકડ્યું છે. રેપર બાદશાહના લગ્ન બીજીવાર તૂટ્યા છે. આ પહેલા તેણે જાસ્મીન મસિહ સાથે લગ્ન કર્યા હતા. જાસ્મીન અને બાદશાહની એક દીકરી પણ છે. જેનું નામ જેસમી ગ્રેસ છે. વર્ષ 2017માં એનો જન્મ થયો હતો. 

હવે શું થશે?
આ પછી જાસ્મીન અને બાદશાહ વચ્ચે અંતર આવી ગયું અને સંબંધનો અંત આવી ગયો. વર્ષ 2020માં છૂટાછેડા થઈ ગયા અને બન્ને અલગ થઈ ગયા હતા. પહેલા લગ્ન તૂટી ગયા બાદ બાદશાહના જીવનમાં ઈશાની એન્ટ્રી થઈ હતી. પણ આ સંબંધ પણ માત્ર પાંચ મહિના સુધી જ ટક્યો. બાદશાહે કહ્યું હતું કે, તે પોતાના અંગત જીવનને કોઈ જાહેર ચર્ચાનો વિષય બનાવવા માગતો નથી. લોકોને પણ કહ્યું છે કે, સંબંધોને લઈને કોઈ બીજા ક્યાસ લગાવવામાં ન આવે, ખોટી ચર્ચા કરવામાં ન આવે. હવે બન્ને પોત-પોતાના કરિયરમાં આગળ વધવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.