Wed Sep 09 2026

Logo

'અર્જુન રેડ્ડી' ફેમ શાલિની પાંડેના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો, ફેન્સને કરી અપીલ

2026-08-31 21:14:40
Author: Mumbai Samachar Team
'અર્જુન રેડ્ડી' ફેમ શાલિની પાંડેના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો, ફેન્સને કરી અપીલ

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી શાલિની પાંડેના નામે એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘અર્જુન રેડ્ડી’થી લોકપ્રિય બનેલી શાલિની પાંડેએ હવે આ મામલે પોતાની ચુપ્પી તોડી છે અને વાયરલ થઈ રહેલા વીડિયોને સંપૂર્ણપણે બનાવટી ગણાવ્યો છે.

શાલિની પાંડેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પોતે નથી. અભિનેત્રીના જણાવ્યા મુજબ આ વીડિયો એઆઈ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને ખોટી રીતે તેમના નામ સાથે જોડવામાં આવી રહ્યો છે. તેણે લોકોને આવા વીડિયો પર વિશ્વાસ ન કરવા અને તેને શેર કે ફોરવર્ડ નહીં કરવાની અપીલ કરી છે.

આ ઘટનાને કારણે ફરી એકવાર એઆઈ અને ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અંગે સવાલો ઊભા થયા છે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઈ વ્યક્તિના ચહેરા અથવા દેખાવને અન્ય વીડિયો સાથે જોડીને બનાવટી કન્ટેન્ટ તૈયાર કરી શકાય છે. ઘણી વખત આવા વીડિયો અસલી હોય તેવા લાગે છે, જેના કારણે લોકો સરળતાથી ભ્રમિત થઈ જાય છે.

શાલિની પાંડેને 2017માં આવેલી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી મોટી ઓળખ મળી હતી. ફિલ્મમાં તેમણે પ્રીતિનું પાત્ર ભજવ્યું હતું અને વિજય દેવરકોંડા સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની સફળતા બાદ શાલિનીએ અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 

તેણે રણવીર સિંહ સાથે ‘જયેશભાઈ જોરદાર’ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ હવે આ વીડિયો લઈને અભિનેત્રી ફરી એક વાર ચર્ચામાં આવી હતી. વાયરલ થઈ રહેલા આ બનાવટી વીડિયોને લઈને શાલિની પાંડેએ પોતાની સ્પષ્ટતા આપી છે.