Sat Sep 12 2026

Logo

મુંબઇમાં મોંઘવારીનો ડબલ એટેક...મોંઘી થઇ CNG-PNG, ઓટો અને કાળી-પીળી ટેક્સીના ભાડા પણ વધ્યા

2026-09-01 08:30:00
Author: Mumbai Samachar Team
મુંબઇમાં મોંઘવારીનો ડબલ એટેક...મોંઘી થઇ CNG-PNG, ઓટો અને કાળી-પીળી ટેક્સીના ભાડા પણ વધ્યા

મુંબઇમાં રહેવાસીઓ માટે એક સપ્ટેમ્બર એટલે કે  આજથી ખિસ્સા પર એકસાથે બે ઝટકા લાગવાના છે. એક તરફ ગેસ કંપની મહાનગર ગેસે સીએનજી અને ઘરેલુ પીએનજીના ભાવ વધારી દીધા છે, તો બીજી તરફ ટેક્સી અને ઓટોના ભાડા પણ વધી ગયા છે. 

મહાનગર ગેસે સીએનજીની કિંમતમાં 2 રૂપિયે પ્રતિ કિલો અને ઘરેલુ પાઇપ્ડ ગેસ એટલે કે પીએનજીમાં 1 રૂપિયે પ્રતિ એસસીએમનો વધારો કર્યો છે. તો મુંબઇ મહાનગર ક્ષેત્રમાં ટેક્સી અને ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું પણ વધારી દીધું છે. બન્ને ફેરફાર એક સપ્ટેમ્બરથી લાગૂ થઇ ચૂકયા છે. 

મહાનગર ગેસ  એટલે કે એમજીએલે સોમવારે આ જાણકારી આપી કે મુંબઇ અને આસપાસના વિસ્તારમાં હવે સીએનજીની નવી કિંમત 88 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. આ વધારો એક સપ્ટેમ્બરે અડધી રાતથી લાગુ થઇ ગયો છે. કંપનીએ આનું  કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવનો ગણાવ્યો છે. 

કંપનીના જણાવ્યા અનુસાર આ તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલી ગેસની કિંમત ઘણી વધી ગઇ છે. જેની સીધી અસર તેના ખર્ચ પર પડી છે.  

આ વધારાની અસર મુંબઇ, થાણે, રાયગઢ, રત્નાગિરી, લાતૂર અને ધારાશિવની સાથે જ કર્ણાટકના ચિત્રદુર્ગ અને દાવણગેરેમાં રહેતા અંદાજે 13 લાખ સીએનજી વાહન માલિકો પર પડશે. આ બધી જગ્યાએ વાહન  એમજીએલના નેટવર્કથી જ ગેસ લે છે. 

આ ઉપરાંત ઘરેલુ પીએનજી લેનારા અંદાજે 30 લાખ ગ્રાહકોને પણ હવે 1 રૂપિયા પ્રતિ એસસીએમ વધારે ચૂકવવા પડશે. 

તો બીજી તરફ મુંબઇ મહાનગર ક્ષેત્રમાં સફર કરનારાને હવે ઓટો અને ટેક્સી માટે વધુ ચૂકવવા પડશે.  હવે ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું 27 રૂપિયા અને કાળી-પીળી ટેક્સીનું લઘુત્તમ ભાડું 33 રૂપિયા થઇ ગયું છે. 

મુંબઇ મહાનગર ક્ષેત્રમાં સાડા ચાર લાખથી વધુ ઓટો રિક્ષા અને 50 હજારથી વધી કાળી-પીળી ટેક્સી ચાલે છે. અને તેમાં મોટા ભાગની સીએનજી પર જ ચાલે છે. મહત્વની વાત એ છે કે છેલ્લે ભાડું ફેબ્રુઆરી 2025માં વધાર્યું હતું. એટલે કે અંદાજે 18 મહિના બાદ ફરી ભાડામાં વધારો કરાયો છે.