Sat Sep 05 2026

Logo

ચાણસ્મા ફાર્મહાઉસ કાંડમાં પોલીસની દાદાગીરી? હાઈકોર્ટે પાટણ પોલીસને ફટકારી કાયદેસરની નોટિસ

2026-09-01 08:00:00
Author: Mumbai Samachar Team
ચાણસ્મા ફાર્મહાઉસ કાંડમાં પોલીસની દાદાગીરી? હાઈકોર્ટે પાટણ પોલીસને ફટકારી કાયદેસરની નોટિસ

પાટણઃ આરોપીઓનો વરઘોડો કાઢવામાં ઘણીવાર એવું બન્યું છે કે, પોલીસ જ આવું કામ કરતા ફસાઈ ગઈ છે. ક્યારેક લોકો આરોપી પર ટપલીદાવ રમી જાય છે તો ક્યારેક કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં પોલીસને પરસેવો આવી જાય છે. પોલીસ દ્વારા આરોપીઓને માર મારવાના વધુ એક મામલે ગુજરાત હાઈકોર્ટે પાટણ પોલીસને નોટિસ ફટકારી છે. જીલીયા-ચાણસ્મા વિસ્તારમાં 18 આરોપીઓના જાહેર સરઘસ કાઢવી પોલીસને કાયદાકીય રીતે હવે ભારે પડી રહ્યું છે. તેમની સાથે થયેલી કથિત મારપીટનો મુદ્દો ફરી કોર્ટના ધ્યાન પર આવ્યો છે. કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈને પોલીસને કાયદેસરની નોટિસ ફટકારી છે.  પીડિત પક્ષે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું સામે આવ્યું છે.

શું છે પીડિતોની માગ
કોર્ટ સમક્ષ રજૂઆત દરમિયાન પીડિતે પોલીસ અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીડિત પક્ષે SP અને DySPને સસ્પેન્ડ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કેસમાં હવે કોર્ટે પોલીસ પાસે જવાબ માગ્યો છે.  હવે હાઈકોર્ટ પોલીસ તંત્ર પાસેથી આ સમગ્ર ઘટનાને લઈને જવાબ માગશે. આ અંગે કોર્ટે કડક વલણ અપનાવીને પોલીસ તંત્ર સામે આંખ લાલ કરી છે.  

માર્ચ 2026માં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલીયા ગામે એક ફાર્મહાઉસ પર હથિયારધારી ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં 15થી 20 લોકો વાહનોમાં આવી ફાર્મહાઉસમાં તોડફોડ કરી હતી. હાજર રહેલા લોકોને ત્યાં ધમકી આપી હતી. આ મામલાના મૂળમાં મંદિરના દાનને લઈને ચાલતો જૂનો વિવાદ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જેની સામે પોલીસે એક્શન લઈને તમામ આરોપીને પકડીને જાહેરમાં એમનો વરઘોડો કાઢ્યો હતો.

સીસીટીવીથી કરવામાં આવી તપાસ
આ હુમલા દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પાછળ હટી ગઈ હોવાના CCTV દૃશ્યો સામે આવ્યા હતા. આ તોડફોડમાં પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા અને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી. જુદા-જુદા સીસીટીવીની તપાસ કરતા પોલીસને કુલ 18 આરોપીઓની ઓળખ થઈ હતી. જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી અને કુલ 18 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને ચાણસ્મા પોલીસ સ્ટેશનથી જાહેર રસ્તા પર દોરડાથી હાથ બાંધીને લઈ જવામાં આવ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ આ કાર્યવાહી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી.

માર માર્યાનો આક્ષેપ
જાહેર સરઘસ દરમિયાન આરોપીઓને રસ્તા પર ઉઠક-બેઠક કરાવવામાં આવી અને પોલીસ દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર આરોપીઓ પોલીસ સમક્ષ માફી માગતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના બીજા કિસ્સામાં પાટણના પોલીસ અધિક્ષકે ચાણસ્મા પોલીસ સ્ટેશનના ત્રણ અધિકારીઓ સહિત આઠ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમાં PI આર.એચ. સોલંકી, ASI હરેશ અર્જનભાઈ અને હેડ કોન્સ્ટેબલ સંજય મોહનલાલનો સમાવેશ થતો હતો.

પાંચ GRD કર્મચારીઓને પણ સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ મામલો એવા સમયે ફરી ચર્ચામાં આવ્યો છે જ્યારે સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના આક્ષેપોને લઈને DCP રાજદીપસિંહ નકુમ સામે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરી હતી. તે કેસમાં હાઈકોર્ટે પોલીસ અધિકારીને એ જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.