ફિલ્મ લવર્સ માટે આવતીકાલથી ચાલનારો સપ્ટેમ્બર, 2026નો મહિનો એન્ટરટેઈન્ટમેન્ટથી ભરપૂર રહેવાનો છે. આ મહિનામાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે એકથી એક ચડિયાતી મલ્ટિ-સ્ટારર ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે. અહીંયા તમારી જાણકારી માટે કે એક તરફ ઓટીટી પ્લેટફોર્મ પર સનસનાટી મચાવનારી ફ્રેન્ચાઈઝી ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે, તો બીજી તરફ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની સુપરહિટ જોડી વર્ષો પછી સાથે જોવા મળશે. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન, સુપરનેચરલ માઈથોલોજી, ડાર્ક કોમેડી અને સસ્પેન્સ થ્રિલર જેવી વૈવિધ્યસભર શૈલીની ફિલ્મો સાથે દર્શકોને થિયેટર્સમાં સિનેમેટિક ટ્રીટ મળવાની છે.
ગાંધારીઃ
સપ્ટેમ્બર મહિનામાં રીલિઝ થનારી ફિલ્મોની યાદીમાં સૌથી પહેલાં આવે છે ગાંધારી. ત્રીજી સપ્ટેમ્બરના રીલિઝ થનારી આ ફિલ્મ એક્શન થ્રિલર / ફીમેલ-લેડ ડ્રામા છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ, છાયા કદમ, સ્વસ્તિકા મુખર્જી, ઈશ્વાક સિંહ, જતિન શર્મા, મીતા વશિષ્ઠ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન દેવાશીષ મખીજાએ કર્યું છે, જ્યારે તેની પટકથા અને નિર્માણ કનિકા ઢિલ્લોને સંભાળ્યું છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ ફરી એકવાર પાવરફુલ અને તીવ્ર ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એક માતાના સંઘર્ષ અને પ્રતિશોધની આસપાસ વણાયેલી હોવાની ચર્ચા છે.
મિર્ઝાપુર: ધ મૂવી
ચોથી સપ્ટેમ્બરના રીલિઝ થનારી ફિલ્મ મિર્ઝાપુરઃ ધ મૂવી એ એક ગેંગસ્ટર ક્રાઈમ ડ્રામા છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), દિવ્યેન્દુ શર્મા (મુન્ના ભૈયા), જીતેન્દ્ર, રસિકા દુગ્ગલ (બીના ત્રિપાઠી), શ્વેતા ત્રિપાઠી (ગોલુ ગુપ્તા), રવિ કિશન જેવા દમદાર કલાકારો જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર ગુરમીત સિંહ દ્વારા છે અને પુનીત ક્રિષ્ના દ્વારા લખવામાં આવી છે. ફિલ્મની હાઈલાઈટ વિશે વાત કરીએ તો ભારતીય ઓટીટી ઈતિહાસની સૌથી સફળ વેબ સિરિઝ હવે 70 એમએમના મોટા પડદા પર આવી રહી છે. ટ્રેલરને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને મુન્ના ભૈયા તથા કાલીન ભૈયાના સિનેમેટિક કમબેકને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે.
જીવન બીમા યોજનાઃ
ચોથી સપ્ટેમ્બર, 2026ના રીલિઝ થનારી આ ફિલ્મ એક ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અરશદ વારસી, સંજીદા શેખ જેવા કલાકારો છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક ડોગરા છે. આ ફિલ્મમાં અભિનેતા અરશદ વારસી પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે. કોમેડી અને સસ્પેન્સના અનોખા મિશ્રણ સાથે ફિલ્મ વીમા કૌભાંડ અને સામાજિક વિષય પર કટાક્ષ કરે છે.
હેવાનઃ
હેવાન ફિલ્મ 11મી સપ્ટેમ્બરના રીલિઝ થઈ રહી છે. સાયકોલોજિકલ ક્રાઈમ એક્શન થ્રિલર ફિલ્મમાં અક્ષય કુમાર, સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન પ્રિયદર્શનનું છે. આ ફિલ્મ મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ ‘Oppam’ ની સત્તાવાર હિન્દી રિમેક છે. ફિલ્મમાં સૈફ અલી ખાન એક પ્રજ્ઞાચક્ષુ (અંધ) વ્યક્તિની અત્યંત પડકારજનક ભૂમિકા ભજવી રહ્યા છે. ટીઝર રિલીઝ થતાં જ તેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
દાયરાઃ
ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન સોશિયલ ડ્રામા ઝોનરની ફિલ્મ દાયરા 18મી સપ્ટેમ્બરના રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, પૃથ્વીરાજ સુકુમારન જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર મેઘના ગુલઝાર છે. સાઉથ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન આ ફિલ્મમાં એક બાહોશ પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે, જ્યારે કરીના કપૂર ખાન એક ગંભીર પાત્ર ભજવી રહી છે. મેઘના ગુલઝારનું દિગ્દર્શન હોવાથી આ ફિલ્મ પાસેથી મજબૂત કન્ટેન્ટની અપેક્ષા છે.
વાઈબઃ
વાઈબ નામની આ ફિલ્મ 18મી સપ્ટેમ્બરના રીલિઝ થઈ રહી છે. આ એર કમર્શિયલ એક્શન કોમેડી ફિલ્મ છે અને તેની સ્ટારકાસ્ટ કુણાલ ખેમુ, પ્રીતિ ઝિંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, વંશિકા ધીર છે. ફિલ્મના ડિરેક્ટર અને લેખક કુણાલ ખેમુ છે. વાત કરીએ આ ફિલ્મની હાઈલાઈટ્સની તો સુપરહિટ કોમેડી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ બાદ ડિરેક્ટર તરીકે કુણાલ ખેમુની આ બીજી ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર તેનો સીધો મુકાબલો કરીના કપૂરની ‘દાયરા’ સાથે થવાનો છે.
The Vvan: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ
સુપરનેચરલ માઈથોલોજી ફોક-થ્રિલર ઝોનની આ ફિલ્મ 25મી સપ્ટેમ્બરના રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટિયા, શ્વેતા તિવારી જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂર (બાલાજી મોશન પિક્ચર્સ) અને ટીવીએફ છે. ભારતીય લોકવાયકાઓ અને પૌરાણિક જંગલ રહસ્યો પર આધારિત આ એક બિગ-બજેટ સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે, જેનું ટીઝર સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બન્યું છે.