કોલકત્તા: નેશનલ સ્પોર્ટ્સ ડે પર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ મેસ્સીના કાર્યક્રમને લઈને એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે 13 ડિસેમ્બરે યુવા ભારતી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધીને કારણે મેસ્સીની એક ઝલક જોવામાં અસમર્થ રહેલા આશરે 33,000 દર્શકોને પૈસા પરત કરવામાં આવશે.
નોંધનીય છે કે ગયા વર્ષે 13 ડિસેમ્બરે જ્યારે મેસ્સી યુવા ભારતી સ્ટેડિયમમાં પહોંચ્યો, ત્યારે ભારે ભીડને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. આર્જેન્ટિનાના મહાન ફૂટબોલરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ 4,000 થી 6,000 રૂપિયાની ટિકિટ ખરીદી હતી.
મેદાનમાં કેટલીક સમસ્યાઓને કારણે ઘણા દર્શકોને તેને જોવાની તક મળી નહોતી. ત્યારથી પૈસા પરત કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને આ મામલે કોઈ રાહત મળી નહોતી. પરંતુ હવે સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે મેસ્સીના કોન્સર્ટ માટે ટિકિટ ખરીદનારા આશરે 33,000 દર્શકોને પૈસા પરત કરવામાં આવશે. આ પૈસા રાજ્યના રમતગમત બજેટમાંથી પૂરા પાડવામાં આવશે.
અધિકારીએ કહ્યું હતું કે મેસ્સીનો વિશાળ ચાહક વર્ગ છે. તેમણે 4,000 થી 6,000 રૂપિયાની ટિકિટ ખરીદી હતી. હું આ 33,000 સ્પોર્ટ્સ પ્રેમીઓ દ્વારા ચૂકવવામાં આવેલા પૈસા પાછા આપવા માંગુ છું. મેં આંતરિક રીતે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મને આશા છે કે હું તે પૂર્ણ કરી શકીશ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "29 ઓગસ્ટના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ હૉકી ખેલાડી ગુરબક્ષ સિંહ, રમતગમત મંત્રી ઇન્દ્રનીલ ખાન અને એઆઈએફએફ પ્રમુખ કલ્યાણ ચૌબે સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે આજે નિમણૂક પત્રો મેળવનારા ઘણા ખેલાડીઓ 11 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયના ધક્કા ખાઈ રહ્યા હતા તે આશ્ચર્યજનક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રીય ટીમોમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ભાગીદારી ખૂબ ઓછી રહી છે, જ્યારે ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યો સતત તેમના ખેલાડીઓને મોટા મંચ પર મોકલી રહ્યા છે."