Thu Sep 17 2026

Logo

ખાંડમાં રૂ. 150થી 250ની પીછેહઠ

2026-08-31 19:34:26
Author: Ramesh Gohil
ખાંડમાં રૂ. 150થી 250ની પીછેહઠ

સપ્ટેમ્બરનાં પહેલા પખવાડિયામાં મુક્ત વેચાણ માટે 13 લાખ ટન ખાંડનો ક્વૉટા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ
તાજેતરમાં સરકારે ખાંડના ભાવ અંકુશમાં લાવવા માટે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી સહિતનાં પગલાં લીધાં હોવાથી ખાંડ મિલો પર ગત 18મી ઑગસ્ટના રોજ ભાવ જે કિલોદીઠ રૂ. 67 સુધી પહોંચ્યા હતા તેની સામે આજે અંદાજે 30 ટકાના ઘટાડા સાથે કિલોદીઠ રૂ. 47 આસપાસની સપાટીએ રહ્યાનાં નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ હાજર ભાવમાં ક્વિન્ટલે  રૂ. 150થી 250 સુધીની પીછેહઠ જોવા મળી હતી. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 250થી 300નો ઘટાડો નોંધાયો હતો. 

દરમિયાન ગઈકાલે મોડી સાંજે અનાજ અને જાહેર વિતરણ વિભાગે સપ્ટેમ્બર મહિનાના પહેલા પખવાડિયાં માટે અર્થાત્‌‍ તા. 1થી 15 સપ્ટેમ્બર સુધીનાં મુક્ત વેચાણ માટે 13 લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો છે. અગાઉ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર મિલોએ ફાળવેલા ક્વૉટા પૈકી 40 ટકા માલનું અર્થાત્‌‍ 5.20 લાખ ટનનું વેચાણ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન અનિવાર્યપણે કરવાનું રહેશે, જ્યારે શેષ 60 ટકા વેચાણ બીજા અઠવાડિયામાં કરવાનું રહેશે. વધુમાં સરકારે ઑગસ્ટનાં વણ વેચાયેલા ક્વૉટાનું એક્સટેન્શન નથી આપ્યું, નોંધનીય બાબત એ છે કે બજાર વર્તુળો સપ્ટેમ્બર મહિનામાં 25થી 26 લાખ ટન ખાંડની માગનો અંદાજ મૂકી રહ્યા છે. 

આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મિલો પાછળ ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ આગલા બંધ સામે નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 232 અને ઉપલા મથાળેથી રૂ. 250ના ઘટાડા સાથે રૂ. 4870થી 5052 અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 202 અને ઉપલા મથાળેથી રૂ. 150ના ઘટાડા સાથે રૂ. 5000થી 5252માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મિલો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 300ના ઘટાડા સાથે રૂ. 4700થી 4750 અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 250ના ઘટાડા સાથે રૂ. 4800થી 4900 આસપાસ થયા હતા.