દમણઃ કહેવાય છે કે, મારનાર કરતા તારનાર હંમેશા મોટો હોય છે અને તે સર્વત્ર હોય છે. બસ એને યોગ્ય સમયે એક યોગ્ય કોલ મળવો જોઈએ. આવું જ એક ચિત્ર જોવા મળ્યું છે ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી. જ્યાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક લાઇફ ગાર્ડની સતર્કતા અને સમજદારીથી 7 વર્ષની બાળકી ડૂબતા બચી ગઈ. બાળકી બચી જતા એના પરિવારજનોના શ્વાસમાં રાહતની લાગણી ઉમેરાઈ હતી.
કિસ્સો કંઈક આવો છે
જાણવા મળ્યું હતું કે, સંઘપ્રદેશ દમણના નાની દમણ ભૈયા જેટી ખાતે નિવારે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહેતો એક પરપ્રાંતીય પરિવાર દમણ બીચ પર ફરવા આવ્યો હતો. આ બાળકી પાણીમાં રમતી હતી. આ દરમિયાન તે એક લહેરની ઝપેટમાં આવી ગઈ અને થોડા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
અચાનક ડૂબવા લાગતા પરિવારજનોના જીવ તાળવો ચોંટ્યા હતા, પરંતુ લાઇફ ગાર્ડે તેને જોઈ અને તાત્કાલિક વિલંબ કર્યા વિના પાણીમાં છલાંગ લગાવી હતી. ગણતરીની મિનિટમાં સુરક્ષા કવચ લઈને પહોંચેલા તરવૈયાઓ બાળકી સુધી પહોંચી ગયા અને બાળકીનો જીવ બચાવી લીધો હતો. બે મિનિટ બાદ તે બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. આ ઘટનાનો પૂરો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે.
વાપીથી આવ્યો હતો પરિવાર
દમણના દરિયાકિનારે લાઇફ ગાર્ડ સુજલ માંગેલાએ પોતાની બહાદુરીનો પરીચય આપ્યો અને છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢી. સુજલ માંગેલાએ દરિયામાં ડૂબી રહેલી 7 વર્ષની માસૂમને ડૂબતા જોઇને પાણીની તેજ લહેરોમાં છલાંગ લગાવી હતી. માસૂમને સુરક્ષિત બચાવી લીધી. દેવદૂત સુજલ માંગેલાની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહ્યો છે .
દમણના દરિયામાં ન્હાવા અને તેની અંદર જવા અને કિનારે સેલ્ફી લેવા પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં જાગૃતતાના અભાવે પર્યટકો આદેશનો ભંગ કર દરિયામાં ઊતરી રહ્યા છે. વિગત એવી પણ સામે આવી રહી છે કે, બાળકી સાથે અન્ય બાળકો પણ રમી રહ્યા હતા. એ સમયે બાળકી પાણીમાં આગળ વધી રહી હતી.
આવી ઘટના ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે તેમ છે. તંત્ર પણ ગંભીર બની આદેશનો ભંગ કરાનારા સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. અગાઉ પણ દમણ દરિયામાં ન્હાવા પડેલા તરૂણો અને બચાવી લેવાયાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.
@~Paurav