રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદના કારણે અનેક એવા ડેમ અને જળાશય એવા છે જે હજુ સુધી સંપૂર્ણ રીતે ભરાયા નથી. આની સીધી અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પર પડી રહી છે. બીજી તરફ સમગ્ર રાજકોટ શહેરને પાણી પૂરુ પાડતા ડેમમાં પણ પાણની સ્થિતિ સારી નથી. આ સમગ્ર માહોને ધ્યાને લઈને રાજકોટ કોર્પોરેશન દ્વારા જુન મહિનાના અંત સુધીમાં 4000 એમએમસીએફટી નર્મદાનીરની માગ સરકાર સામે કરવામાં આવી હતી, પણ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે આ પુરવઠો અકટેલો પડ્યો હતો. આ પછી સતત એક પ્રકારની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે સૌની યોજના અંતર્ગત ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર આપવા માટે મંજૂરી આપી દીધી છે.
પાણીની સ્થિતિ વિકટ હતી
છેલ્લા બે દિવસથી સૌની યોજના અંતર્ગત ન્યારી-1 ડેમમાં ફરી નર્મદના નીર વહેતા થયા છે. સારી વાત એ છે કે, આજી-1 ડેમમાં હજુ પાણી સુકાયું નથી.આવનારા દિવસોમાં આજીમાં પણ નર્મદના નીર પહોંચશે. આ કારણે સમગ્ર રાજકોટમાં હવે આગામી દિવસોમાં પીવા માટેના પાણીની કોઈ અછત ઊભી થશે નહીં. આ પાણીનો સ્ટોક એટલો છે કે, આવતા ઉનાળા સુધી પાણીની કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતા વરસાદ ઓછો પડ્યો છે. વરસાદની સખત ઘટ વચ્ચે પાણીની સ્થિતિ વિકટ થાય એવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જે વરસાદ થયો એમાં આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીની કોઈ નોંધપાત્ર આવક થઈ ન હતી. પાણીની સ્થિતિને પહોંચી વળવા અને આગોતરના આયોજનના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બન્ને ડેમમાં નર્મદાના આવે એવી માગ કરવામાં આવી હતી.
રાજકોટના આંગણે નર્મદા
મહાનગર પાલિકાની માગને ગંભીતાથી લઈને પહેલા આજી-1 ડેમમાં પાણી આપવામાં આવ્યું હતું. પછી કોઈ ટેક્નિકલ અડચણ ઊભી થતા પાણી રોકી દેવાયું. પણ પાણીકાપ વેઠવો પડે એવી સ્થિતિ વચ્ચે મહાનગર પાલિકાની રજૂઆત બાદ ફરીથી નર્મદાના નીર આપવામાં આવ્યા હતા. પ્રજાહિતને પ્રાધાન્ય આપીને તથા સતત મળી રહેલી રજૂઆતને ધ્યાને લેતા સિંચાઈ વિભાગે પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી નર્મદાના નીર રાજકોટના આંગણા સુધી પહોંચ્યા હતા. આમ પાણીની સ્થિતિ થાળે પડતા મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારમાં પાણીનું સંકટ ટળી ગયું છે. પીવાના અને ઘર વપરાશના પાણીની ઘટ હવે નહીં પડે,. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ જરૂરી એવો પુરવઠો મળી રહેશે એટલે ખેતીમાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય.