અમદાવાદ: એર ઈન્ડિયાની સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. તેની બાદ તેનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં એક ક્રૂ મેમ્બરને અંગ્રેજીમાં "BOMB" લખેલું ટીશ્યુ પેપર પર મળી આવ્યું હતું.
પાયલોટને તાત્કાલિક જાણ કરવામાં આવી
આ અંગે મળતી માહિતી મુજબ ફલાઇટે ઉડાન ભરી હતી ત્યારે આ ટીશ્યુ પેપર મળી આવતાં વિમાનમાં ગભરાટ ફેલાયો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હતી. ક્રૂ મેમ્બરે બોમ્બ અંગેનો સંદેશ જોતાં જ પાયલોટને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી
આ પરિસ્થિતિની ગંભીરતાને પગલે પાયલોટ અને ક્રૂએ સુરક્ષા પ્રોટોકોલ અનુસાર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી.
એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી
જ્યારે વિમાન અમદાવાદ એરપોર્ટ પર સાંજે 4:30 વાગ્યે પહોંચ્યું અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફલાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, CISF,બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા ટીમોએ વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી.
તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ઇમરજન્સી લેન્ડિંગ પછી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે બોમ્બની ધમકી મળ્યા બાદ તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા ટીમો દ્વારા હાલમાં વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.