મુંબઈ: મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતા ભૂગર્ભ માર્ગનો એક અત્યંત પડકારજનક તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. એમએમઆરડીએ દ્વારા પ્રોજેક્ટની દક્ષિણ ટનલનું ખોદકામ મધ્ય અને હાર્બર લાઈનમાં સાતમી લાઇનની નીચેથી માત્ર પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 23 મીટરની ઊંડાઈએથી 54 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કામગીરી દરમિયાન રેલવે વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવ્યો નથી.
ભૂગર્ભમાં થતા ફેરફારોની પણ તપાસ કરાઈ
આ પડકારજનક કામગીરી પહેલાં એમએમઆરડીએએ ભૂગર્ભની સ્થિતિનું વિગતવાર અભ્યાસ કર્યો હતો. માટી અને ખડકોના વિવિધ સ્તરોની માહિતી મેળવવા માટે ભૂપૃષ્ઠીય તરંગો (સરફેસ વેવ્સ)નું વિશ્લેષણ કરાયું હતું. ઉપરાંત, ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારની મદદથી જમીનની અંદર રહેલી વસ્તુઓ તેમ જ ભૂગર્ભમાં થતા ફેરફારોની પણ તપાસ કરાઈ હતી. સંખ્યાત્મક મોડેલિંગ અને માળખાકીય આકલનના આધારે ટનલ ખોદકામની સંપૂર્ણ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રેનસેવાને અસર પહોંચ્યા વિના કામ પાર પાડ્યું
ટનલનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે રેલવેના પાટા તેમ જ કર્નાક રોડ ફ્લાયઓવર પર સતત નજર રાખવામાં આવી હતી. કોઈ પણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ જરૂરી યંત્રણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી હતી, પરિણામે રેલવે સેવાને અસર પહોંચાડ્યા વિના આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
વાહનોની ઝડપ 80 કિલોમીટરને ધ્યાનમાં રાખી કરી
ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ભૂગર્ભ માર્ગની કુલ લંબાઈ આશરે 10 કિલોમીટર છે. તેમાંથી લગભગ 7 કિલોમીટરનો માર્ગ ભૂગર્ભમાં રહેશે. ટનલની ઊંડાઈ સ્થળ પ્રમાણે 12થી 52 મીટર સુધીની રહેશે. આ માર્ગની ડિઝાઇન વાહનોની પ્રતિ કલાક 80 કિલોમીટર સુધીની ઝડપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો
હાલમાં સમગ્ર પ્રોજેક્ટનું આશરે 15 ટકા કામ પૂર્ણ થયું છે. પ્રોજેક્ટને ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિશાળ ભૂગર્ભ માર્ગના ટનલ ખોદકામ માટે 12.2 મીટર વ્યાસ ધરાવતા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મશીનની લંબાઈ 82 મીટર છે અને તેનું વજન આશરે 2,400 ટન છે.
પ્રોજેક્ટમાં વધુ એક પડકારજનક કામગીરી હાથ ધરાશે
મુંબઈની નરમ જમીન તેમ જ ભૂગર્ભમાં મોટા પ્રમાણમાં પાણી ઝરતું હોય તેવી પરિસ્થિતિમાં પણ અસરકારક રીતે કામ કરી શકે તે રીતે આ મોટા મશીનની રચના કરાઈ છે. આ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી શહેરના ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં જમીનની ઉપરની વ્યવસ્થાને ઓછામાં ઓછી અસર પહોંચાડીને ભૂગર્ભ માર્ગનું નિર્માણ શક્ય બની રહ્યું છે. મધ્ય અને હાર્બર રેલવેની સાત લાઇનની નીચેથી ટનલ પસાર કરવાનો તબક્કો પૂર્ણ થયા બાદ હવે પ્રોજેક્ટમાં વધુ એક પડકારજનક કામગીરી હાથ ધરવામાં આવશે.
કામ પૂરું થયા બાદ મુંબઇનો વાહનવ્યવહાર વધુ સુગમ બનશે
આગામી તબક્કામાં પશ્ચિમ રેલવેની લાઇનની નીચેથી ટનલ પસાર કરવામાં આવશે.આ ટનલ આશરે 24 મીટરની ઊંડાઈએથી પસાર થશે. ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ રેલવે સ્ટેશનો વચ્ચેનો આશરે 120 મીટર લાંબો રેલવે ટ્રેકનો ભાગ આ ટનલની ઉપર આવશે. આ કામગીરી દરમિયાન પણ રેલવે વ્યવહારને અસર ન થાય તે માટે જરૂરી તકેદારી અને મોનિટરિંગ વ્યવસ્થાઓ સાથે કામ હાથ ધરવામાં આવશે.
ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ભૂગર્ભ માર્ગ પૂર્ણ થયા બાદ દક્ષિણ મુંબઇનો વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ મુંબઈના મહત્વપૂર્ણ પરિવહન માળખાકીય વિકાસમાં એક નવી ક્રાંતિ સાબિત થઈ શકે છે.