મુંબઈ: મુંબઈમાં મધદરિયે ડીઝલની દાણચોરીના રૅકેટનો ભારતીય કોસ્ટ ગાર્ડે પર્દાફાશ કર્યો હતો અને માછીમારી બોટ જપ્ત કરી સાત તસ્કરને ઝડપી પાડ્યા હતા. કોસ્ટ ગાર્ડ દ્વારા સોમવારે વહેલી સવારના આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.પ્રાથમિક તપાસમાં બોટના માલિકે કબૂલ્યું હતું કે મધદરિયે 4,000 લિટર ડીઝલ પ્રાપ્ત કર્યું હતું. તસ્કરોએ નાસી છૂટતી વખતે પુરાવા નષ્ટ કરવા આશરે પાંચસો લિટર ડીઝલ દરિયામાં ફેંકી દીધું હતું, એમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
ભારતીય માછીમારી બોટ હરિદ્વાર કૃપામાં ડીઝલની મોટા પાયે દાણચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ કોસ્ટ ગાર્ડે પોતાના જહાજો પરથી પ્રોંગ્સ લાઇટહાઉસ પરિસરમાં નજર રાખી હતી. પેટ્રોલિંગ દરમિયાન વહાણ નજીકથી શંકાસ્પદ બોટ શોધી કઢાઇ હતી.બોટને અટકાવવાનો પ્રયાસ કરતાં અને વારંવાર ચેતવણી આપવા છતાં તસ્કરો બોટ લઇને નાસી ગયા હતા. કોસ્ટ ગાર્ડે પીછો કરીને બોટને અટકાવી હતી, જે પછી બોટમાં વ્યાપક તપાસ કરતાં 4,000 લિટર ડીઝલ મળી આવ્યું હતું. તમામ સંબંધિત દસ્તાવેજો અને છ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા.
દરમિયાન બોટને મુંબઈ હાર્બર પર લાવવામાં આવી હતી, જ્યાં કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. આ તસ્કરો અગાઉ પણ ડીઝલની દાણચોરીમાં સંડોવાયેલા હતા, જે અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું. (પીટીઆઇ)
AI (પ્રતીકાત્મક તસવીર)