Tue Oct 13 2026

Logo

ઓલ્ડ મંક વિવાદ: ‘રમ’ નહીં પણ ‘રમ-લાઈક’ લખવાની FSSAIની શરત, કંપનીને 500 કરોડનો 'ફટકો'

2026-10-13 16:55:06
Author: Mumbai Samachar Team
ઓલ્ડ મંક વિવાદ: ‘રમ’ નહીં પણ ‘રમ-લાઈક’ લખવાની FSSAIની શરત, કંપનીને 500 કરોડનો 'ફટકો'

મુંબઈ: ભારતમાં લોકપ્રિય રમ બ્રાન્ડ ‘ઓલ્ડ મંક’ના વેચાણને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને તેની ઉત્પાદક કંપની મોહન રોકી સ્પ્રિંગવોટર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. એફએસએસએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કંપની તેના ઉત્પાદનના લેબલ પર ‘રમ’ના બદલે ‘રમ-લાઈક’ લખવા માટે સંમત થાય તો મહારાષ્ટ્રમાં તેના વેચાણને મંજૂરી આપવામાં આવશે. બીજી તરફ કંપનીએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વેચાણ પર પ્રતિબંધને કારણે તેને અત્યાર સુધીમાં ₹ 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. હવે આ મામલો હવે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે.

કંપની તરફથી વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે બોમ્બે હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉત્પાદન એકમમાંથી ઓલ્ડ મંકના વેચાણ પર રોક લગાવવામાં આવતાં કંપનીને ₹ 500 કરોડથી વધુનું કોર્પોરેટ નુકસાન થયું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારના રાજ્ય આબકારી વિભાગને પણ અંદાજે ₹ 350 કરોડની આવકનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 
કંપનીના જણાવ્યા અનુસાર વેચાણ પરના પ્રતિબંધને કારણે તેના લગભગ 300 કર્મચારીઓ પાસે હાલ કામ નથી. કંપનીએ પણ ધ્યાન દોર્યું હતું કે અન્ય રાજ્યોમાં ઓલ્ડ મંકનું વેચાણ ચાલુ છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે.

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદનું મુખ્ય કારણ ઓલ્ડ મંકમાં ઉપયોગમાં લેવાતા આલ્કોહોલ અને ફ્લેવરિંગને લઈને એફએસએસએઆઈની વાંધાજનક નોંધ છે. એફએસએસએઆઈના જણાવ્યા અનુસાર આ ઉત્પાદનમાં ન્યુટ્રલ સ્પિરિટનો ઉપયોગ કરીને તેમાં અલગથી રમનો ફ્લેવર ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયા ઉત્પાદનની મૂળ સ્પિરિટની કુદરતી લાક્ષણિકતાઓને ઢાંકી શકે છે, તેથી ઉત્પાદનને સીધા ‘રમ’ તરીકે વેચવાથી ગ્રાહકોને તેની વાસ્તવિક રચના અંગે ગેરસમજ થઈ શકે છે. નિયામક સંસ્થાનું કહેવું છે કે આવા ઉત્પાદનોને યોગ્ય રીતે ‘ફ્લેવર્ડ સ્પિરિટ’ અથવા ‘રમ-લાઇક’ તરીકે દર્શાવવા જોઈએ.

એફએસએસએઆઈએ ઓલ્ડ મંકના લેબલ પર લખવામાં આવતા ‘સેવન યર્સ ઓલ્ડ બ્લેન્ડેડ’ અને ‘વેરી ઓલ્ડ વેટેડ’ જેવા શબ્દપ્રયોગો સામે પણ વાંધો ઉઠાવ્યો છે. નિયમનકારી સંસ્થાના મતે, આ પ્રકારના ઉલ્લેખોથી ગ્રાહકોને ઉત્પાદનની અવધિ અને તેની બનાવટ વિશે ગેરસમજ થઈ શકે છે. બીજી તરફ, ઉત્પાદક કંપનીનું કહેવું છે કે લાગુ પડતા ફૂડ સેફ્ટી નિયમો હેઠળ મંજૂર એડિટિવ્સ સાથે ન્યુટ્રલ સ્પિરિટનો ઉપયોગ કરવાની જોગવાઈ છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે બજારમાં અન્ય સ્પર્ધક કંપનીઓ પણ સમાન પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે તેમ છતાં માત્ર ઓલ્ડ મંક સામે જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હવે બોમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ત્રિપાઠી અને ન્યાયમૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠે આ મામલે ગુણદોષના આધારે અંતિમ સુનાવણી માટે 23 ઑક્ટોબર, 2026ની તારીખ નક્કી કરી છે. સુનાવણી દરમિયાન એફએસએસએઆઈ તરફથી જણાવવામાં આવ્યું હતું કે લેબલ અંગેની તેની શરત સ્વીકારવામાં આવે તો જ મહારાષ્ટ્રમાં વેચાણની મંજૂરી આપવામાં આવશે. હવે આગામી સુનાવણીમાં કંપનીના નુકસાન, લેબલિંગના નિયમો અને ઉત્પાદનની ઓળખ અંગેની દલીલો પર કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.