નવી દિલ્હીઃ નેપાળમાં તાજેતરમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ પાછળ ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટીને નીચે પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ માત્ર નેપાળ જ નહીં, પરંતુ ભારતના હિમાલયી વિસ્તારોમાં પણ આવી જ આપત્તિ સર્જાય તો દેશ કેટલો તૈયાર છે, તે અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારતની NDMA ટીમ આ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ કરી રહી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) પણ નેપાળમાં બનેલી આ ઘટનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તૈયારી કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો દેશને તથા દેશવાસીઓને બચાવી શકાય.
અનેક વિસ્તારોમાં છે જોખમ
NDMAના સભ્ય કૃષ્ણ સ્વરૂપ વત્સના જણાવ્યા અનુસાર ભારતમાં પણ એવા અનેક વિસ્તારો છે, જ્યાં નેપાળ જેવી આફત સર્જાવાનું જોખમ છે. ભારત અગાઉ પણ આવી ગંભીર કુદરતી હોનારતનો સામનો કરી ચૂક્યું છે. તેથી નેપાળની ઘટનામાંથી શીખવું ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અચાનક આવેલા પૂર અને ગ્લેશિયર સંબંધિત અનેક વિનાશકારી ઘટનાઓ જોઈ છે. વર્ષ 2013ની કેદારનાથ દુર્ઘટના, 2021ની ચમૌલી ઘટના, 2023માં સિક્કિમની ગ્લેશિયલ લેક ફાટવાની ઘટના અને ત્યારબાદ ધરાલીમાં થયેલી તબાહીએ પહાડી વિસ્તારોની નબળાઈને સ્પષ્ટ કરી છે.
તૈયારીઓ પર રહેશે ફોકસ
આ ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા હતા અને ભારે આર્થિક નુકસાન પણ થયું હતું. ચમૌલી બાદ શરૂ થઈ નવી તૈયારી જેમાં દરેક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું. વર્ષ 2021ની ચમોલી દુર્ઘટના બાદ NDMAએ જોખમી ગ્લેશિયલ તળાવો નજીક Early Warning System સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું હતું. આ સિસ્ટમનો મુખ્ય હેતુ ગ્લેશિયર લેકમાં થતા અચાનક ફેરફારો અથવા સંભવિત જોખમ અંગે સમયસર ચેતવણી આપવાનો છે, જેથી લોકો અને પ્રશાસનને બચાવ કામગીરી માટે જરૂરી સમય મળી શકે.
ભારતમાં National GLOF Risk Management Programme શરૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ જોખમી ગ્લેશિયલ તળાવોનું સંચાલન કરવું અને ત્યાં વહેલી ચેતવણી આપતી વ્યવસ્થા વિકસાવવાનો છે. આ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા હિમાલયી વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ છે.
પ્રક્રિયામાં લાગશે સમય
NDMAના જણાવ્યા અનુસાર ભારતનો GLOF સંબંધિત કાર્યક્રમ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. જોકે, સમગ્ર પ્રક્રિયામાં સમય લાગશે. આ વ્યવસ્થાથી ગ્લેશિયર ફાટવા અથવા ગ્લેશિયલ લેક ફાટવાને કારણે સર્જાતા જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવાની આશા છે. નેપાળની તાજેતરની ઘટના બાદ આવા કાર્યક્રમોની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે. માત્ર ગ્લેશિયર નહીં, ભૂસ્ખલન પણ પડકાર છે. હિમાલયમાં જોખમ માત્ર ગ્લેશિયર સુધી મર્યાદિત નથી. માટી ધસી પડવી અને ભૂસ્ખલન પણ મોટા ખતરા છે. તેથી ભૂસ્ખલન પહેલાં તેની સંભાવના અંગે ચેતવણી આપી શકે તેવી વ્યવસ્થા વિકસાવવી પણ એટલી જ જરૂરી છે.