અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રમોશન માટે મુંબઈમાં યોજાયેલા રોડ-શૉમાં દેશ-વિદેશના ઉદ્યોગ-નિવેશકારોને કમ ટુ ગુજરાત - ગ્રો ઇન ગુજરાત – ગ્રો વિથ ગુજરાતનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓ અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા. મહિન્દ્રા, હિંદાલકો સહિત અને ટોચની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે તૈયારી દર્શાવી હતી.

આ બેઠકો દરમિયાન, ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણના પોતાના અનુભવો શેર કર્યા હતા અને ઇલેક્ટ્રિક વાહનો (EV), કોપર રિસાયક્લિંગ, રિન્યુએબલ એનર્જી, બેટરી સ્ટોરેજ તેમજ સ્ટીલ ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્યના રોકાણની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.


આનંદ મહિન્દ્રાએ ઇવી અને ગિફ્ટ સિટીની તકો અંગે ચર્ચા કરી
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ રાજ્યમાં રોકાણ અંગે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ બેઠકને યાદ કરી હતી.
મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે હું સૌપ્રથમ વખત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ જ રૂમમાં મળ્યો હતો અને હું તેમના વિઝનથી અત્યંત પ્રભાવિત થયો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને અને ગુજરાતમાં ગ્રૂપના ભવિષ્યના રોકાણના આયોજન અંગે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરીને તેઓ આનંદ અનુભવે છે. મહિન્દ્રા ગ્રૂપ સાથેની આ ચર્ચામાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર અને ગિફ્ટ સિટી માં રહેલી તકોની સાથે સાથે રોકાણ, સહયોગ અને વિકાસની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

હિંદાલકોનો કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ
હિંદાલકો ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રે, ખાસ કરીને કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમીની પહેલોમાં નોંધપાત્ર તકો પૂરી પાડે છે. પાઈએ ઉમેર્યું કે ગુજરાતના નેતૃત્વ સાથે સંભવિત રોકાણો, સસ્ટેનેબલ ઔદ્યોગિક પદ્ધતિઓ અને કોપર ઉદ્યોગ માટે અગ્રણી સ્થળ તરીકે રાજ્યની સ્થિતિને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડિસેમ્બર મહિનામાં હિંદાલકોના કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના પ્રસ્તાવિત ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થઈ હતી.

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલનું 10 હજાર કરોડના રોકાણનું આયોજન
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા હજીરા ખાતે વધારાના રૂ. 10,000 કરોડના રોકાણનું આયોજન કરી રહી છે. AMNS ઇન્ડિયાના સીઇઓ અમિત હરલાલકાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કંપનીની મહત્ત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની ફળદાયી બેઠક રહી હતી. હરલાલકાએ જણાવ્યું કે કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાના માર્ગ પર છે અને હજીરા ખાતે મુખ્યત્વે રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધારાનારૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. તેમણે ગુજરાતમાં વાર્ષિક 25 મિલિયન ટન ક્ષમતા ધરાવતો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના કંપનીના વિઝનને પણ શેર કર્યું હતું, જેને તેમણે ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગણાવ્યો હતો.

લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનો શું છે પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દેબબ્રત મુખર્જી સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન આગામી 1 થી 2 વર્ષમાં આઇસક્રીમના વ્યવસાયનો વ્યાપ વધારવાના રોડમેપની સમીક્ષા સાથે ગુજરાતમાં થઈ રહેલ લોટ્ટેના વિસ્તરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ટાયર-2 અને ટાયર-3 શહેરોના બજાર સુધીની પહોંચને સુદ્રઢ કરવા માટે મહેસાણા અને સાણંદ ખાતે કામગીરીના વિસ્તાર તેમજ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન માટેની R&D સુવિધા સ્થાપવાની સંભાવનાઓ અંગે સકારાત્મક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન ગોદરેજ એગ્રોવેટના ચેરપર્સન બુર્જીસ ગોદરેજ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ વડોદરા અને સુરતમાં આગામી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સહિત રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્રે ગોદરેજ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા માતબર રોકાણની સરાહના કરી તેમને આવકાર્યા હતા. ગુજરાતના વિશિષ્ટ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને એગ્રીબિઝનેસ નીતિઓનો મહત્તમ લાભ લઈને એડિબલ ઓઇલ, ક્રોપ પ્રોટેક્શન સોલ્યુશન્સ અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા એગ્રી-ઈનપુટ્સના ક્ષેત્રમાં કંપની માટે નવા અવસરો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તેમની સાથે ગુજરાતમાં રોકાણની અનંત સંભાવનાઓ અંગે ચર્ચા કરવાની સાથોસાથ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
પીરામલ ગ્રુપના ચેરમેન સાથે પણ મુલાકાત
પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરીને બેઠક યોજી હતી. ગુજરાત સાથે પીરામલ ગ્રુપના લાંબા સમયના જોડાણ તથા અમદાવાદમાં ફાર્મા કામગીરીના વિસ્તરણ, દહેજ ખાતે હાઇ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગ અને અનંત નેશનલ યુનિવર્સિટીના કેમ્પસના નિર્માણને પૂર્ણ કરવા સહિતના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ માટેના રોકાણોની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના ગેટ-વે સમાન ગિફ્ટ સિટી ખાતે પીરામલ ફાઇનાન્સના વિસ્તરણ કરવા અંગેની વ્યૂહાત્મક તકો પર પણ ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયન્કા તથા વાઇસ ચેરમેન અનંત ગોયન્કા સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાતમાં આરપીજી ગ્રુપના 6 સ્થળે કાર્યરત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સના વિસ્તરણ બાબતે ફળદાયી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના હેવી-એન્જિનિયરિંગ ક્લસ્ટર્સ અને સુદ્રઢ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ગુજરાતમાં પાવર ટ્રાન્સફોર્મર્સ, સ્પેશિયલાઇઝ્ડ ડેટા-સેન્ટર ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન તેમજ હાઇ-વોલ્ટેજ કેબલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજનાઓ સહિત ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિના નવા અવસરો અંગે પણ વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
સન ફાર્માના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન દિલીપ સંઘવી સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને હેલ્થકેર ઇનોવેશન અને આત્મનિર્ભરતાનું ગ્લોબલ પાવરહાઉસ બનાવવાના વિઝનને અનુરૂપ ગુજરાતમાં હાઇ-વેલ્યુ ફોર્મ્યુલેશન્સ, બાયોફાર્મા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સન ફાર્માના વ્યાપને વિસ્તારવા પર આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કના વ્યૂહાત્મક ફાયદાઓ, ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી નીતિઓ તેમજ ટ્રેઝરી કામગીરી અને ગ્લોબલ કપેબિલિટી સેન્ટર્સ માટે ગિફ્ટ સિટીની ઉભરતી ફાયનાન્શિયલ ઈકોસિસ્ટમની રૂપરેખા આપીને આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિપ્લા લિમિટેડના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર અચિન ગુપ્તા સાથે બેઠક યોજી હતી. જેમાં જંબુસર ખાતેના ખાસ બલ્ક ડ્રગ પાર્ક અને રાજ્યની સાનુકૂળ ફાર્મા પોલિસી 2026 અંતર્ગત મળતાં પ્રોત્સાહનોનો લાભ લઈને ગુજરાતમાં સિપ્લાના ઉત્પાદન અને R&D પ્રવૃત્તિના વ્યાપને વિસ્તારવાની સંભાવનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યની કેમિકલ અને બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમના સપોર્ટ થકી બાયોલોજિક્સ, એડવાન્સ્ડ ફોર્મ્યુલેશન્સ અને નેક્સ્ટ જનરેશન હેલ્થકેર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભવિષ્યલક્ષી વિકાસની તકો પર પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સ્વાન કોર્પના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ મર્ચન્ટ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાં કંપનીના વિસ્તરણ અને આધુનિકીકરણ કરવા બાબતે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, કંપનીની મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને ગ્લોબલ લોજિસ્ટિક્સને વધુ સુદ્રઢ બનાવવાની વ્યૂહાત્મક પહેલની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન વેલસ્પન લિવિંગ લિમિટેડના CEO અને MD શ્રીમતી દીપાલી ગોયન્કાએ મુલાકાત કરી હતી. અંજાર (કચ્છ) અને વાપી ખાતે વિશ્વસ્તરીય ઉત્પાદન એકમો સ્થાપીને વૈશ્વિક હોમ ટેક્સટાઇલ સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવનાર વેલસ્પન ગ્રુપ સાથેની બેઠક દરમિયાન 'ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024' અંતર્ગત મળતા પ્રોત્સાહનોનો લાભ મેળવીને ટેક્સટાઈલ ક્ષેત્રે ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન ઉપરાંત ગુજરાતમાં કંપનીના વિસ્તરણ તેમજ રોકાણો સંબંધિત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.