બોક્સ ઓફિસ પર કઇ ફિલ્મ હિટ જશે અને કઇ ફ્લોપ તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મોટા સ્ટાર્સ અને કરોડોના બજેટવાળી ફિલ્મો પણ ઘણીવાર પાણીમાં બેસી જાય છે. પરંતુ ક્યારેક ઓછા બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ છલકાવી દે છે. નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ હનુમાન અંશ સાથે બરોબર આવું જ બન્યું છે. તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર 1.8 થી 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ શરૂઆતમાં ધીમીગતિએ ચાલતી હતી. પરંતુ આજે તેનું કલેક્શન 86 કરોડને વટાવી ગયું છે. આ ફિલ્મની સાથે આવો ચમત્કાર કેવી રીતે થયો..આવો જાણીએ
શરૂઆતમાં ફિલ્મ ફ્લોપ જવાનો હતો ડર
હનુમાન અંશ જ્યારે રીલિઝ થઇ ત્યારે આખા દેશમાં તેને માત્ર 250 સ્ક્રીન જ મળ્યા હતા. શરુઆતના એક અઠવાડિયામાં ફિલ્મનું કલેકેશન ફકત 90 લાખ રૂપિયા હતું. ફિલ્મની કમાણી 1 કરોડ રૂપિયા સુધી પણ પહોંચી નહોતી શકી. બીજા અઠવાડીયામાં ફિલ્મની હાલત વધુ ખરાબ થઇ. ફિલ્મના શો ઘટાડી દેવામાં આવ્યા. ફિલ્મ ફક્ત 40 સ્ક્રીન પર સમેટાઇને રહી ગઇ. અને ફિલ્મે માત્ર 46 લાખની કમાણી કરી. ત્યારે એવું લાગતું હતું કે ફિલ્મના પાટીયા પડી જશે. પરંતુ ખેલ અહીંથી શરૂ થયો. ઓછા સ્ક્રીન હોવા છતાં પ્રતિ સ્ક્રીન કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો.
માઉથ પબ્લિસિટીથી ફિલ્મને મળ્યો બૂસ્ટ
ગુજરાતી ફિલ્મ લાલો-કૃષ્ણ સદા સહાયતેની જેમ ફિલ્મ પાછળ કોઇ મોટું માર્કેટિંગનું બજેટ નહોતું. જે થોડાઘણાં લોકોએ ફિલ્મ જોઇ તેઓએ બહાર આવીને લોકોને ફિલ્મ વિશે વાત કરી. સોશિયલ મીડિયા અને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મની લોકપ્રિયતા અચાનક વધવા લાગી. ધાર્મિક અને આધ્યાત્મિક વિષય હોવાથી ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં ફિલ્મને લોકોએ વધાવી લીધી. ધીમે ધીમે તેની ચર્ચા દરેક વર્ગના લોકો સુધી પહોંચી ગઇ.
ત્રીજા અને ચોથા સપ્તાહમા ચિત્ર પલટાયું
જે ફિલ્મને કોઇ પૂછતું નહોતુ તેણે ત્રીજા અઠવાડિયામાં કમબેક કર્યું. અને ફિલ્મની કમાણી 10 કરોડની ઉપર પહોંચી ગઇ. ચોથા અઠવાડિયામાં 50 કરોડને પાર પહોંચી ગઇ. બીજા અઠવાડિયામાં 40 સ્ક્રીનથી આજે આખા દેશમાં 2000 થી વધુ સ્ક્રીન પર હાઉસફૂલ જઇ રહી છે.
યશની ટોક્સિકનો ફ્લોપ શો
હનુમાન અંશે રીલીઝના 26મા દિવસે 8 કરોડની કમાણી કરી. બોક્સ ઓફિસના ઇતિહાસમાં આવું જવલ્લેજ બનતું હોય છે. હવે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે.