રોજિંદા જીવનમાં લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે સતત બેસી રહેવાને કારણે પગમાં હળવો દુખાવો, કળતર કે ઝણઝણાટી થવી સામાન્ય બાબત છે. સામાન્ય રીતે થોડા આરામ પછી આ દુખાવો આપમેળે મટી જતો હોય છે. પરંતુ જો કોઈપણ શારીરિક પરિશ્રમ કે ઈજા વગર પણ પગમાં સતત કળતર, અસહ્ય દુખાવો કે ખાલી ચડતી રહેતી હોય, તો તેને સાવ સામાન્ય ગણીને અવગણવું ભારે પડી શકે છે. આજે આ વિશે જ વાત કરીએ વિસ્તારથી...
મેડિકલ એક્સપર્ટ્સના મતે, જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો શક્ય છે કે તમારા બોડીમાં અમુક ચોક્કસ પોષક તત્વો અને વિટામિન્સની ગંભીર ઉણપનો સંકેત હોઈ શકે છે. ચાલો જોઈએ કયા છે આ વિટામિન્સ એન્ડ મિનરલ્સ...
વિટામિન ડીની ઉણપ:
શરીરના સ્નાયુઓ, હાડકાં અને ચેતાતંતુઓ (નર્વ્સ)ના યોગ્ય કાર્ય માટે વિટામિન ડી અત્યંત આવશ્યક છે. શરીરમાં તેનું પ્રમાણ ઘટવાથી પીઠ, કમર અને ખાસ કરીને પગના સ્નાયુઓમાં સતત કમજોરી અને ઊંડો દુખાવો અનુભવાય છે. વિટામિન ડીનો મુખ્ય કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે.
કેલ્શિયમની કમી:
મોટાભાગના લોકો માને છે કે કેલ્શિયમ માત્ર હાડકાંની મજબૂતી માટે જ જરૂરી છે, પરંતુ વાસ્તવમાં કેલ્શિયમ સ્નાયુઓના સંકોચન અને હલનચલન માટે પણ એટલું જ મહત્વનું છે. કેલ્શિયમ ઓછું થવાથી પગના સ્નાયુઓમાં અચાનક ખેંચાણ, જકડાઈ જવું અને દુખાવો થવા લાગે છે.
વિટામિન બી12 ની ઉણપ:
વિટામિન બી12 સીધું નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) સાથે જોડાયેલું છે. તેની ઉણપથી પગ અને હાથમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી અને અચાનક સોય ભોંકાતી હોય તેવો અનુભવ થાય છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે પિંડીઓમાં અસહ્ય ખેંચાણ આવવાનું સૌથી મોટું કારણ વિટામિન બી12 ની કમી હોઈ શકે છે.
આહાર દ્વારા આ ઉણપ કેવી રીતે દૂર કરશો? (ડાયેટ ટિપ્સ):
- લીલા શાકભાજી અને મોસમી ફળો: પાલક, મેથી, બ્રોકોલી જેવા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળો દૈનિક ડાયેટમાં સામેલ કરો.
- ડેરી પ્રોડક્ટ્સ: દૂધ, દહીં, પનીર અને તલ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
- ઇંડા અને સપ્લીમેન્ટ્સ: વિટામિન B12 અને પ્રોટીન માટે ઇંડા અને ડેરી આહાર ઉપયોગી છે.
- સૂર્યપ્રકાશ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ: સવારના કુમળા તડકામાં થોડો સમય વિતાવો તથા નિયમિત હળવી કસરત કરો.
નોંધ: જો પૂરતો આહાર લીધા પછી પણ પગનો દુખાવો કે ખાલી ચડવાની સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે, તો તબીબ પાસે જઈને બ્લડ ટેસ્ટ કરાવી યોગ્ય સારવાર લેવી જરૂરી છે.