Wed Sep 30 2026

Logo

6 કલાકની ઊંઘ પૂરતી છે? જાણો તમારી ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી છે

2026-09-24 19:33:28
Author: Mumbai Samachar Team
6 કલાકની ઊંઘ પૂરતી છે? જાણો તમારી ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ જરૂરી છે

Gemini AI Image


મોટા ભાગના પુખ્ત વયના લોકો માટે દરરોજ 6 કલાકની ઊંઘ ઓછી માનવામાં આવે છે. ઊંઘ દરમિયાન શરીરને આરામ મળવાની સાથે મગજ અને શરીરની અનેક જરૂરી પ્રક્રિયાઓને પુનઃસ્થાપિત થવાનો સમય મળે છે, તેથી માત્ર તમે ઊંઘો છો કે નહીં તે જ નહીં, પરંતુ કેટલો સમય અને કેટલી ગુણવત્તાવાળી ઊંઘ લો છો તે પણ મહત્વનું છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર ઉંમર વધવાની સાથે ઊંઘની જરૂરિયાતમાં પણ ફેરફાર થાય છે. નવજાત શિશુઓને સૌથી વધુ ઊંઘની જરૂર પડે છે, કારણ કે આ તબક્કામાં શરીર અને મગજનો ઝડપી વિકાસ થઈ રહ્યો હોય છે. તેમને સામાન્ય રીતે 14થી 17 કલાકની ઊંઘ લેવી જોઈએ.

ચારથી 11 મહિનાના બાળકોને 12થી 15 કલાક, જ્યારે એકથી 2 વર્ષના બાળકોને 11થી 14 કલાકની ઊંઘની જરૂર હોય છે. તે જ રીતે 3થી 5 વર્ષના બાળકોને 10થી 13 કલાક અને 6થી 12 વર્ષના બાળકોને 9થી 12 કલાકની ઊંઘ લેવી જોઈએ. 

13થી 17 વર્ષના ટીનેજર્સને દરરોજ 8થી 10 કલાકની ઊંઘ જરૂરી છે. જ્યારે 18થી 64 વર્ષના પુખ્ત વયના લોકોએ ઓછામાં ઓછા 7 કલાક ઊંઘ લેવી જોઈએ. 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દરરોજ 7થી 8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો કોઈ પુખ્ત વ્યક્તિ દરરોજ માત્ર 6 કલાક ઊંઘે છે, તો લાંબા સમય સુધી તેને સામાન્ય માનવું યોગ્ય નથી. ઓછી ઊંઘને કારણે દિવસભર થાક, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને કામ કરવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. જોકે, માત્ર ઊંઘના કલાકો પૂરા કરવા પૂરતા નથી. ઊંઘની ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. 

જો તમે દરરોજ 7થી 8 કલાક ઊંઘ્યા પછી પણ સતત થાક અનુભવતા હોવ, વારંવાર ઊંઘ તૂટતી હોય અથવા સવારે ઉઠ્યા બાદ તાજગી અનુભવાતી ન હોય, તો ઊંઘની ગુણવત્તા અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાની તપાસ માટે ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે.