Tue Oct 20 2026

Logo

Electric Toothbrush: શું ઇલેક્ટ્રિક બ્રશથી ઘસાઈ જાય છે દાંતનું ઇનેમલ? જાણો પેઢા માટે સુરક્ષિત છે કે નુકસાનકારક

2026-10-19 21:59:31
Author: Darshana Visaria
Electric Toothbrush: શું ઇલેક્ટ્રિક બ્રશથી ઘસાઈ જાય છે દાંતનું ઇનેમલ? જાણો પેઢા માટે સુરક્ષિત છે કે નુકસાનકારક

આજના આધુનિક સમયમાં દરેક નાની-મોટી વસ્તુ સ્માર્ટ બની રહી છે, જેમાં સવારે બ્રશ કરવાની ટેવ પણ હવે ટેક્નોલોજીને કારણે બદલાઈ રહી છે. એક સમય હતો કે જ્યારે લોકો દાંતણ કરતાં હતા, ત્યાર બાદ ધીરે ધીરે લોકો ટૂથબ્રથ અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા લાગ્યા અને હવે તો લોકો હવે પરંપરાગત મેન્યુઅલ બ્રશ છોડીને બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક ટૂથબ્રશ (Electric Toothbrush) તરફ વળી રહ્યા છે. તેમ છતાં, એક મોટો વર્ગ હજુ પણ તેને ખરીદતાં ખચકાય છે. ચાલો જાણીએ કે આ ઈલેક્ટ્રિક ટુથબ્રથ આપણા દાંતની હેલ્થ માટે સારા છે કે નહીં... 

આજે પણ અનેક લોકોના મનમાં આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ ખરીદતા પહેલાં સૌથી મોટો ડર એ હોય છે કે મોટરની સ્પીડથી ફરતું આ બ્રશ ક્યાંક દાંતની ઉપરની કુદરતી ચમકદાર પરત કે જેને આપણે ઇનેમલ તરીકે ઓળખીએ છીએ તેને ઘસી તો નહીં નાખે? વાઇબ્રેશનના કારણે પેઢા છોલાઈ જશે કે દાંત ઢીલા પડી જશે? જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઘૂમરાતા હોય, તો જાણી લો કે વિજ્ઞાન અને ડેન્ટલ એક્સપર્ટ્સ આ અંગે શું કહે છે.

ઈલેક્ટ્રિક ટૂથબ્રશ કેવી રીતે કામ કરે છે?

સૌથી પહેલાં વાત કરીએ કે ઈલેક્ટ્રિટ ટુથબ્રશ કઈ રીતે કામ કરે છે? ઈલેક્ટ્રિક બ્રશના હેન્ડલમાં એક નાની રિચાર્જેબલ બેટરી અને મોટર ફીટ કરેલી હોય છે, જે ઉપરના બ્રિસલ્સને હાઇ-સ્પીડમાં ફેરવે છે અથવા વાઇબ્રેટ કરે છે. બજારમાં મુખ્યત્વે બે પ્રકારના ઇલેક્ટ્રિક બ્રશ જોવા મળે છે—એક જેનું ગોળ હેડ ડાબે-જમણે રોટેટ થાય છે, અને બીજા સોનિક બ્રશ જે હાઇ-ફ્રીક્વન્સી વાઇબ્રેશનથી દાંતના ખૂણે-ખૂણેથી સફાઈ કરે છે.

સામાન્ય હાથથી બ્રશ કરતી વખતે આપણે એક મિનિટમાં માંડ 200થી 300 વાર જ બ્રશ ફેરવી શકીએ છીએ, જ્યારે ઇલેક્ટ્રિક બ્રશ એક મિનિટમાં હજારો વખત માઇક્રો-મૂવમેન્ટ્સ કરે છે. તેમાં તમારે જોર કરીને ઘસવાની જરૂર પડતી નથી; માત્ર હળવા હાથે બ્રશને એક દાંતથી બીજા દાંત પર લઈ જવાનું હોય છે.

શું તેનાથી દાંત કે પેઢાને નુકસાન થાય છે?

ડેન્ટલ નિષ્ણાતો અનુસાર, ઈલેક્ટ્રિક ટૂથબ્રશ દાંતને બગાડતું નથી, બલ્કે યોગ્ય રીતે વાપરવામાં આવે તો સામાન્ય બ્રશ કરતાં ઘણું વધારે સુરક્ષિત છે.

ઇનેમલનું રક્ષણ: સામાન્ય બ્રશ વાપરતી વખતે લોકો અજાણતાં દાંત પર વધારે પડતું જોર આપી દે છે, જેનાથી ઇનેમલ ઘસાઈ જાય છે અને પેઢામાંથી લોહી નીકળવા લાગે છે.

પ્રેશર સેન્સર: મોટાભાગના સારા ઇલેક્ટ્રિક બ્રશમાં ઇન-બિલ્ટ પ્રેશર સેન્સર હોય છે. જો તમે દાંત પર વધારે દબાણ આપશો, તો બ્રશની સ્પીડ આપમેળે ઘટી જશે અથવા બીપ અવાજ કરીને તમને ચેતવણી આપશે.

2 મિનિટનો ટાઈમર: તેમાં 2 મિનિટનો સ્માર્ટ ટાઈમર હોય છે, જે દર 30 સેકન્ડે હળવો વાઇબ્રેશન પોઝ આપીને મોંના બીજા ભાગ તરફ જવાનો સંકેત આપે છે. આનાથી ઓવર-બ્રશિંગનું જોખમ સાવ ટળી જાય છે.

ઈલેક્ટ્રિક બ્રશ વાપરતી વખતે ન કરો આ ભૂલો

ઈલેક્ટ્રિક ટૂથબ્રશથી ત્યારે જ નુકસાન થાય છે જ્યારે લોકો તેને પણ જૂના સાદા બ્રશની જેમ દાંત પર ઘસવા લાગે છે. તેથી આ સાવધાની રાખવી જરૂરી છે. 

બ્રશને પેઢાની લાઈન પાસે 45 ડિગ્રીના એંગલ પર હળવેથી મૂકો અને તમામ કામ તેની મોટર પર છોડી દો. દરેક દાંત પર માત્ર બેથી ત્રણ સેકન્ડ રાખવું પૂરતું છે. 

જો તમને સેન્સિટિવિટી હોય કે પેઢા નબળા હોય, તો હંમેશાં 'Sensitive Mode' અને અલ્ટ્રા-સોફ્ટ બ્રિસલ્સવાળા હેડનો ઉપયોગ કરવો.

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે સામાન્ય બ્રશની જેમ જ ઇલેક્ટ્રિક બ્રશના ઉપરના હેડને પણ દર ત્રણ મહિને બદલી નાખવું જોઈએ, કારણ કે વળી ગયેલા બ્રિસલ્સ પેઢાને નુકસાન પહોંચાડી શકે છે.