પપૈયું વિટામિન, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર એક પૌષ્ટિક ફળ છે. નિયમિત પપૈયું ખાવાથી પાચનક્રિયા સુધરે છે, પેટ સાફ રહે છે અને શરીરને જરૂરી પોષક તત્ત્વો મળે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે તે અમૃત સમાન સાબિત થાય તેવું જરૂરી નથી. અમુક ચોક્કસ શારીરિક પરિસ્થિતિઓ અને બીમારીઓમાં પપૈયું ખાતી વખતે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, એલર્જી ધરાવતા લોકો અને કિડની સંબંધિત તકલીફવાળા દર્દીઓએ પપૈયું ખાતા પહેલાં યોગ્ય મેડિકલ ઈમર્જન્સી લેવું જોઈએ.
સગર્ભા મહિલાઓએ કાચા પપૈયાથી દૂર રહેવું
કાચા અથવા અડધા પાકા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં રહેલું પેપેઈન ઘટક ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે, જેના કારણે ગર્ભાવસ્થા દરમિયાન જોખમ ઊભું થઈ શકે છે. તેથી પ્રેગ્નન્સીમાં કાચું પપૈયું ન ખાવું જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. સંપૂર્ણ પાકેલા પપૈયા અંગે પણ ગર્ભવતી મહિલાઓએ પોતાના ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈને જ આહારમાં સામેલ કરવું જોઈએ.
લેટેક્સ અથવા પપૈયાની એલર્જી ધરાવતા લોકો
અમુક લોકોને પપૈયું ખાધા પછી શરીરમાં ખંજવાળ, ચામડી પર લાલ ચકામા, હોઠ અથવા ચહેરા પર સોજો આવી જવાની સમસ્યા થાય છે. જેમને કુદરતી લેટેક્સની એલર્જી હોય તેમણે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. જો પપૈયું ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ કે ગળામાં સોજો જેવી ગંભીર સમસ્યા જણાય તો તાત્કાલિક ડોક્ટરની મદદ લેવી જરૂરી છે.
કિડનીના દર્દીઓ માટે પોટેશિયમનું જોખમ
પપૈયામાં પોટેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા નબળી પડે છે ત્યારે તે શરીરમાંથી વધારાનું પોટેશિયમ બહાર કાઢી શકતી નથી, જેના કારણે લોહીમાં પોટેશિયમનું લેવલ અસામાન્ય રીતે વધી શકે છે. જે દર્દીઓને ડોક્ટરે પોટેશિયમવાળો ખોરાક મર્યાદિત રાખવાની સલાહ આપી હોય, તેમણે પપૈયું ખાતાં પહેલાં ડાયટિશિયનની સલાહ ચોક્કસ લેવી.
પાચનની સમસ્યા કે પેટમાં અસ્વસ્થતા
કેટલાક લોકોને પપૈયું ખાધા પછી પેટમાં ભારેપણું, ગેસ, પેટમાં બળતરા કે પાચન બગડવાની ફરિયાદ રહે છે. આવા લક્ષણો દેખાય ત્યારે પપૈયાનું પ્રમાણ ઘટાડી દેવું અથવા થોડા દિવસો માટે બંધ કરી દેવું જોઈએ. જોકે પપૈયું ગરમ પ્રકૃતિનું હોવાથી દરેકને તકલીફ કરે છે તે માન્યતાને કોઈ મજબૂત વૈજ્ઞાનિક આધાર નથી, સામાન્ય સ્વસ્થ લોકો માટે તે ઉત્તમ સુપરફૂડ છે.