આપણામાંથી અનેક લોકો સાથે સામાન્યપણે એવું બનતું હોય છે કે હોસ્પિટલ કે ક્લિનિકમાં જઈને ઈન્જેક્શન લેવાના નામ માત્રથી જ ઘણા લોકોને પરસેવો છૂટી જતો હોય છે. કેટલાક લોકોને સોય જોઈને ડર લાગે છે તો કેટલાક સોય ભોંકાયા પછી થતા તીવ્ર દુખાવાથી ગભરાતા હોય છે. પરંતુ શું માત્ર એક મનગમતું ગીત સાંભળવાથી ઈન્જેક્શનની આ પીડા ઓછી થઈ શકે છે? ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી...
વિજ્ઞાન ક્ષેત્રના પ્રતિષ્ઠિત જર્નલ 'ફ્રન્ટિયર્સ ઇન પેઇન રિસર્ચ' (Frontiers in Pain Research)માં પ્રકાશિત થયેલા એક નવા ક્લિનિકલ રિસર્ચમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોના મતે, નસમાં સોય (IV Canula) લગાવતી વખતે દર્દી જો પોતાનું મનપસંદ સંગીત સાંભળે, તો તેને દુખાવાની અનુભૂતિ નોંધપાત્ર રીતે ઓછી થાય છે.
204 દર્દીઓ પર કરવામાં આવ્યું વિશેષ સંશોધન
સ્વિટ્ઝરલેન્ડના યુનિવર્સિટી હોસ્પિટલ ઝ્યુરિખના સંશોધકોએ MRI સ્કેન કરાવતાં પહેલાં નસમાં કેન્યુલા લગાવી રહેલા 204 દર્દીઓ પર આ પ્રયોગ કર્યો હતો. આ દર્દીઓને ચાર અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા:
પ્રથમ ગ્રુપ: આ ગ્રુપના દર્દીઓએ ઈન્જેક્શન પોતાનું મનપસંદ ગીત સાંભળ્યું.
બીજું ગ્રુપ: દર્દીઓને વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર મોઝાર્ટ (Mozart)ની ક્લાસિકલ ધૂન સંભળાવવામાં આવી.
ત્રીજું ગ્રુપ: આ ગ્રુપના દર્દીઓને સામાન્ય રિલેક્સેશન મ્યુઝિક (શાંત સંગીત) સાંભળવા આપવામાં આવ્યું.
ચોથું ગ્રુપ: કોઈપણ જાતનું સંગીત સાંભળ્યા વગર સામાન્ય સ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવી.
ત્યારબાદ સોય વાગવાના તુરંત પછી, 30 સેકન્ડ પછી અને બે મિનિટ પછી દર્દીઓને તેમના દુખાવાની તીવ્રતાનો અનુભવ જણાવવાનું કહેવામાં આવ્યું હતું.
મનપસંદ ગીત સાંભળનારા દર્દીઓને મળી સૌથી વધુ રાહત
અભ્યાસમાં સામે આવ્યું હતું કે જે દર્દીઓ પોતાનું ગમતું ગીત સાંભળી રહ્યા હતા, તેમણે સોય ભોંકાયાના 30 સેકન્ડ અને બે મિનિટ બાદ અન્ય ગ્રુપનીસરખામણીએ ઘણી ઓછી પીડા અનુભવી હતી. જે દર્દીઓને પ્રક્રિયા પહેલાંથી જ શરીરમાં સામાન્ય દુખાવો હતો, તેમને પણ મનપસંદ ગીત સાંભળવાથી સોય વાગતાંની સાથે જ દુખાવાની તીવ્રતા ઓછી વર્તાઈ હતી. મોઝાર્ટની ધૂન સાંભળનારા દર્દીઓને પણ આંશિક રાહત મળી હતી, પરંતુ સામાન્ય રિલેક્સેશન મ્યુઝિક સાંભળનારા દર્દીઓમાં દુખાવો ઓછો થવા પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી.
સામાન્ય શાંત સંગીત કરતાં મનપસંદ ગીત કેમ વધુ અસરકારક?
સંશોધકોના જણાવ્યા મુજબ, જ્યારે વ્યક્તિ પોતાની પસંદગીનું ગીત કે સંગીત સાંભળે છે, ત્યારે મગજનું તમામ ધ્યાન સોય વાગવાની શારીરિક પ્રક્રિયા પરથી હટીને સંગીતના શબ્દો અને લાગણીઓ સાથે જોડાઈ જાય છે.
આ ડિસ્ટ્રેક્શન (ધ્યાન ભટકાવવાની પ્રક્રિયા) મગજ સુધી પહોંચતા દર્દના સિગ્નલોને મંદ પાડી દે છે. બીજી તરફ, એકસરખી ધૂનવાળું રિલેક્સેશન મ્યુઝિક દરેક વ્યક્તિનું ધ્યાન મજબૂતીથી ખેંચી શકતું નથી, તેથી તેનો ખાસ પ્રભાવ પડતો નથી.
શું દરેક તબીબી પ્રક્રિયામાં આ પદ્ધતિ કામ કરશે?
આ સંશોધન દર્શાવે છે કે બ્લડ ટેસ્ટ, ડ્રિપ ચઢાવવી કે કેન્યુલા લગાવવા જેવી ટૂંકી અને નાની તબીબી પ્રક્રિયાઓમાં દર્દીને શાંત અને તણાવમુક્ત રાખવા માટે મ્યુઝિક થેરાપી એક સરળ અને બિનખર્ચાળ ઉપાય સાબિત થઈ શકે છે.
જોકે, નિષ્ણાતોના મતે આ અભ્યાસ મુખ્યત્વે એમઆરઆઈ પહેલાં કેન્યુલા લગાવવા પર આધારિત હતો, તેથી સર્જરી કે અત્યંત ઊંડા ઘાવવાળા દર્દમાં આ પદ્ધતિ સમાન રીતે કારગર નીવડે છે કે નહીં તે માટે વધુ સંશોધન જરૂરી છે.