Sat Nov 07 2026

Logo

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂથી લઈને PM મોદી અને રાહુલ ગાંધી સુધીના દિગ્ગજો દશેરાની ઉજવણીમાં જોડાશે

2026-10-20 09:21:00
Author: Mumbai Samachar Team
દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂથી લઈને PM મોદી અને રાહુલ ગાંધી સુધીના દિગ્ગજો દશેરાની ઉજવણીમાં જોડાશે

 

નવી દિલ્હી: દેશભરમાં આજે વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં દશેરાની ઉજવણી આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 

બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પણ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં યોજાનારા દશેરા કાર્યક્રમોમાં સામેલ થશે. દ્વારકા સેક્ટર-10માં દ્વારકા શ્રી રામલીલા સોસાયટી દ્વારા આયોજિત રામલીલાના સમાપન પ્રસંગે 221 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.

દ્વારકાની સાથે પૂર્વ દિલ્હી અને લાલ કિલ્લા મેદાનમાં પણ દશેરાના ભવ્ય કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ દિલ્હીના પટપડગંજ સ્થિત આઈપી એક્સટેન્શન રામલીલા સમિતિના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં રામ-રાવણ યુદ્ધના મંચન બાદ રાવણદહન કરવામાં આવશે. આ કાર્યક્રમની વિશેષતા એ રહેશે કે વડાપ્રધાનની હાજરીમાં નકલી દવાઓના વેપારના પ્રતીકાત્મક પૂતળાનું પણ દહન કરવામાં આવશે.

લાલ કિલ્લા મેદાનમાં લવ-કુશ રામલીલા સમિતિના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન હાજર રહેશે. અહીં રામલીલાના અંતિમ પ્રસંગોના મંચન બાદ રાવણદહન થશે. બીજી તરફ, નવશ્રી ધાર્મિક લીલા સમિતિના દશેરા કાર્યક્રમમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ભાગ લેશે. આમ, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોમાં દેશના ટોચના રાજકીય નેતાઓની હાજરી આ વર્ષની વિજયાદશમીને વિશેષ બનાવશે.