Sat Sep 05 2026

Logo

સુરતથી નવી મુંબઈ માત્ર 55 મિનિટમાં પહોંચી જવાશે, આ તારીખથી શરૂ થશે સીધી ફ્લાઇટ

2026-09-04 12:58:00
Author: Mayur Patel
સુરતથી નવી મુંબઈ માત્ર 55 મિનિટમાં પહોંચી જવાશે, આ તારીખથી શરૂ થશે સીધી ફ્લાઇટ

અમદાવાદઃ સુરતથી દરરોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ કામધંધા અર્થે મુંબઈ જાય છે. જોકે આ માટે તેઓ મોટાભાગે ટ્રેનનો જ ઉપયોગ કરતાં હોય છે. જોકે ટૂંક સમયમાં સુરતની એર કનેક્ટિવિટીમાં વધુ એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. આગામી વિન્ટર શિડ્યુલ હેઠળ 25 ઓક્ટોબરથી એર ઇન્ડિયા એક્સપ્રેસ નવી મુંબઈ અને સુરત વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતા છે. ફ્લાઈટ શરૂ થયા બાદ સુરતથી નવી મુંબઈ માત્ર 55 મિનિટમાં જ પહોંચી જવાશે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ નવી મુંબઈ-સુરત-નવી મુંબઈ રૂટ પર દૈનિક સેવા સંચાલિત કરશે. હાલ ઓનલાઇન ઉપલબ્ધ શિડ્યુલ મુજબ, ફ્લાઇટ IX 1534 નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 5:00 વાગ્યે રવાના થશે અને સવારે 5:55 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે. 

પરત ફરતી ફ્લાઇટ IX 1535 સુરતથી રાત્રે 11:15 વાગ્યે ટેક-ઓફ કરશે અને બીજા દિવસે મધ્યરાત્રિએ 12:10 વાગ્યે નવી મુંબઈ પહોંચશે. આ બંને ફ્લાઇટ નોન-સ્ટોપ સેવા તરીકે દર્શાવવામાં આવી છે, જેનો મુસાફરી સમય આશરે 55 મિનિટનો રહેશે.

25 ઓક્ટોબરથી અમલમાં આવનારા વિન્ટર શિડ્યુલ પહેલાં જ આ સેવા માટેનું બુકિંગ એરલાઇનની વેબસાઇટ અને અન્ય ફ્લાઇટ બુકિંગ પ્લેટફોર્મ્સ પર ઓનલાઇન શરૂ થઈ ગયું છે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, હાલ ભાડું 5843 રૂપિયા રાખવામાં આવ્યું છે.

નિષ્ણાતો માને છે કે આ નવો રૂટ એર ઇન્ડિયા એક્સપ્રેસની ‘હબ-એન્ડ-સ્પોક’ વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેનાથી સુરતના મુસાફરોને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા દેશ અને વિદેશના અન્ય ગંતવ્ય સ્થાનો માટે કનેક્ટિવિટી મળી રહેશે.

ફ્લાઇટનો સમય:

નવી મુંબઈથી સુરત (IX 1534): પ્રસ્થાન સવારે 05:00 વાગ્યે | આગમન સવારે 05:55 વાગ્યે

સુરતથી નવી મુંબઈ (IX 1535): પ્રસ્થાન રાત્રે 11:15 વાગ્યે | આગમન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે