Sat Sep 05 2026

Logo

પહેલા ત્રિમાસિકગાળામાં પેસેન્જર અને વેપારી વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર મોખરેઃ સિઆમ

2026-08-28 20:09:05
Author: Ramesh Gohil
પહેલા ત્રિમાસિકગાળામાં પેસેન્જર અને વેપારી વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર મોખરેઃ સિઆમ

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં અર્થાત્‌‍ ગત એપ્રિલથી જૂન સુધીનાં સમયગાળામાં પેસેન્જર અને વેપારી વાહનોનાં વેચાણમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે રહ્યું છે, જ્યારે દ્વિ અને ત્રિચક્રી વાહનોનાં વેચાણમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મોખરે રહ્યું હોવાનું ઑટોમોબાઈલ ઉદ્યોગના ઔદ્યોગિક સંગઠન સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

ગત એપ્રિલથી જૂન સુધીનાં ત્રિમાસિક ગાળામાં દેશમાં 12.74 લાખ યુનિટ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું, જેમાં 3.9 લાખ યુનિટ પશ્ચિમ ઝોનમાં થયું છે અને પશ્ચિમ ઝોનમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,47,440 યુનિટનું વેચાણ થયું છે. ત્યાર બાદ અનુક્રમે ઉત્તર પ્રદેશમાં 1,35,329 યુનિટ, ગુજરાતમાં 98,785 યુનિટ, કર્ણાટકમાં 98,315 યુનિટ અને તમિળનાડુમાં 96,327 યુનિટનું વેચાણ થયું છે. 

તે જ પ્રમાણે આ સમયગાળામાં પશ્ચિમ ઝોનમાં 2.65 લાખ વેપારી વાહનોનું વેચાણ થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36,433 યુનિટનું વેચાણ થયું છે. ત્યાર બાદ અનુક્રમે તમિળનાડુમાં 24,743 યુનિટ, કર્ણાટકમાં 21,830 યુનિટ, ગુજરાતમાં 21,778 યુનિટ અને ઉત્તર પ્રદેશમાં 21,161 યુનિટનું વેચાણ થયું છે. 

વધુમાં સિઆમની આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી જૂન દરમિયાન 56.29 લાખ યુનિટ દ્વિચક્રી વાહનોનું વેચાણ થયું છે અને તેમાં પણ પશ્ચિમ ઝોન અગે્રસર રહેતાં કુલ 16.61 લાખ યુનિટનું વેચાણ થયું છે. તેમ જ પશ્ચિમ ઝોનના કુલ વેચાણ પૈકી સૌથી વધુ વેચાણ ઉત્તર પ્રદેશમાં 8,82,047 યુનિટનું થયું હતું, ત્યાર બાદ અનુક્રમે મહારાષ્ટ્રમાં 5,61,738 યુનિટ, તમિળનાડુમાં 4,80,653 યુનિટ, કર્ણાટકમાં 3,74,221 યુનિટ અને બિહારમાં 3,69,302 યુનિટનું વેચાણ થયું હતું. 

આ સમયગાળામાં ત્રિચક્રી વાહનોના વેચાણમાં કુલ 2.14 લાખ યુનિટના વેચાણમાં 71,000 યુનિટના વેચાણ સાથે દક્ષિણ ઝોન અગે્રસર રહ્યું હતું. જોકે, સૌથી વધુ 25,669 ત્રિચક્રી વાહનોના વેચાણ સાથે ઉત્તર પ્રદેશ અગે્રસર રહ્યું હતું, ત્યાર બાદ બીજા ક્રમાંકે 20,534 યુનિટના વેચાણ સાથે ગુજરાત, 19,192 યુનિટના વેચાણ સાથે કર્ણાટક ત્રીજા ક્રમાંકે, 15,653 યુનિટના વેચાણ સાથે બિહાર ચોથા ક્રમાંકે અને 15,223 યુનિટના વેચાણ સામે આસામ પાંચમાં ક્રમાંકે રહ્યું હોવાનું સિઆમે યાદીમાં ઉમેર્યું હતું.