Fri Sep 11 2026

Logo

માર્ચ 2027થી દેશની બધી સંસ્થાઓમાં ISTનું પાલન કરવું ફરજીયાત, સરકારે જાહેર કરી અધિસૂચના

2026-08-30 09:08:00
Author: Mumbai Samachar Team
માર્ચ 2027થી દેશની બધી સંસ્થાઓમાં ISTનું પાલન કરવું ફરજીયાત, સરકારે જાહેર કરી અધિસૂચના

નવી દિલ્હીઃ આવતા વર્ષે માર્ચથી ભારતમાં બધી સંસ્થાઓએ કાનૂની, કોમર્શિયલ, ડિજિટલ અને વહીવટી કામો માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST)નો ઉપયોગ કરવો પડશે. સરકારે શનિવારે લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રુલ્સ, 2026ની જાહેરાત કરી છે. 

લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ જાહેર આ નિયમ ગેઝેટમાં પ્રકાશિત થયાના 180 દિવસ બાદ લાગૂ થશે, જેનાથી માર્ચ 2027ની આસપાસ IST અનિવાર્ય થઇ જશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર એક્ટ હેઠળ દંડ લગાવવામાં આવશે. જ્યાં સુધી વિશેષ રુપે છૂટ ન આપવામાં આવી હોય ત્યાં સુધી આ નોટિફિકેશન બધા કાનૂની, વહીવટી અને આધિકારીક દસ્તાવેજો માટે ISTને અનિવાર્ય ટાઇમ રેફરન્સ બનાવે છે. 

કોઇ બીજા સમયના સંદર્ભનો નહીં થાય ઉપયોગ

આ કોમર્સ, ટ્રાન્સપોર્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કાયદાકીય કોન્ટ્રેક્ટ અને ફાઇનાન્સિયલ કામકાજમાં પણ  IST ને સ્ટાન્ડર્ડ ટાઇમ રેફરન્સ બનાવે છે. સરકારી કામો માટે IST ઉપરાંત કોઇ બીજા સમયના સંદર્ભનો ઉપયોગ તેને બતાવવો કે રેકોર્ડ કરી શકાશે નહીં. જો કે વિદેશી ટાઇમ ઝોનને સ્પષ્ટ રીતે બતાવવો કે વૈજ્ઞાનિક રિસર્ચ, નેવિગેશન કે ખગોળ વિજ્ઞાન માટે બીજા ટાઇમ સોર્સની મંજૂરી હોય તો આવું કરી શકાય છે. 

કેમ મહત્ત્વપૂર્ણ છે આ નિયમ?

આ નિયમો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આજનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માઈક્રોસેકન્ડ લેવલના ટાઈમિંગ ચોકસાઈ પર આધાર રાખે છે. પેમેન્ટ સિસ્ટમ, સ્ટોક એક્સચેન્જ, ટેલિકોમ નેટવર્ક, 5G સર્વિસ, ડિજિટલ નેવિગેશન, પાવર ગ્રીડ અને ડેટા સેન્ટરને ટ્રાન્ઝેક્શનને ઓથેન્ટિકેટ કરવા, ઓપરેશન્સનું સંકલન કરવા અને નેટવર્કની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સિંક્રોનાઈઝ્ડ ઘડિયાળોની જરૂર પડે છે.

આ નોટિફિકેશન ટાઈમ સિંક્રોનાઈઝેશન, ટ્રેસેબિલિટી અને સાયબર સુરક્ષા માટે દેશવ્યાપી સિસ્ટમ બનાવે છે અને યોગ્ય સમયને એક મહત્ત્વપૂર્ણ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે સ્વીકારે છે. આ નિયમોની બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત સાયબર રેઝિલિયન્સ (સાયબર હુમલાઓ સામે રક્ષણ મેળવવાની અને તેનાથી બેઠા થવાની ક્ષમતા) પર ભાર મૂકવાની છે.

સંસ્થાઓએ યોગ્ય ટાઈમ-સિંક્રોનાઈઝેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે, નેટવર્કને સ્ફૂફિંગ, જેમિંગ અને સાયબર હુમલાઓથી બચાવવું પડશે, બહુવિધ અધિકૃત ટાઈમિંગ સોર્સને જોડવા પડશે અને કોઈપણ વિક્ષેપ વિના કામકાજ ચાલુ રાખવા માટે ઇમરજન્સી સિસ્ટમ્સ (જેમ કે જરૂરિયાત મુજબ એટૉમિક ક્લોક) જાળવી રાખવી પડશે.