નવી દિલ્હીઃ નેપાળમાં જે કુરદતી હોનારત બની એના વીડિયો સામે આવતા દરેક વ્યક્તિ એવું જ કહે કે, કુદરત આવું કોઈ દુશ્મન સાથે પણ ન કરે. અચાનક પ્રચંડ પ્રવાહમાં નિર્જીવ અને સજીવ બન્ને તણાયા, અનેક એવા પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો. રસુવા જિલ્લાના સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે, આગામી બેથી ત્રણ મહિના સુધી આ જમીનમાંથી માત્ર મૃતદેહ નીકળવાના છે. આ માહોલ વચ્ચે એક શિક્ષક ખરા અર્થમાં બાળકો માટે સુરક્ષા કવચ બનીને સામે આવ્યા હતા. વાત છે એવા શિક્ષકની જેણે પોતાની નજર સામે આ તબાહીનું દ્રશ્ય જોયું અને બાળકોના જીવ બચાવવા માટે ખરા અર્થમાં ખતરો કે ખિલાડી બન્યા અને એમાં વિજેતા પણ સાબિત થયા.
સ્કૂલ ખાલી કરાવવા નિર્ણય
નેપાળના એક સ્કૂલના પ્રિન્સિપાલને પૂરનું પાણી સ્કૂલ તરફ આવતું હોવાની સૂચના મળતા જ પોતાના તમામ કામ છોડીને બાળકોના જીવ બચાવવા માટે દોડી ગયા હતા. નુવાકોટ જિલ્લાના ત્રિશુલી ઘાટી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 1643 બાળકો હતા. પરિસ્થિતિ બગડતા જોઈને ગણતરીની મિનિટમાં નિર્ણય કરવાનો હતો. બાળકોના સુરક્ષિત રીતે બાહર કાઢવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્કૂલના આચાર્ય રાજેન્દ્ર દવાડીએ કોઈ જ પ્રકારનો વિલંબ કર્યા વગર સ્કૂલ ખાલી કરાવવા માટે નિર્ણય કર્યો હતો. આ પછી 1643 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. એ પણ વિદ્યાર્થીને કોઈ જ પ્રકારની ઈજા પણ ન થઈ અને કોઈ ખરોચ પણ ન આવી હતી. બુધવારે સવારે 9.30 વાગ્યાની વાત છે. જાણવા મળ્યું હતું કે, આખું ગામ નદીમાં વહી ગયું છે. આથી બાળકોને બચાવવા માટેનો એક પડકાર ઊભો થયો હતો.
યુદ્ધના ધોરણે લીધુ એક્શન
દવાડીને પહેલા એવું લાગ્યું કે સ્કૂલ બાળકો માટે સુરક્ષિત છે અને વધારે બાળકોને અહીંયા જ સુરક્ષા આપી શકાશે. પણ ત્રણ ફ્લોરની ઈમારત નજીકથી નદીનો પ્રવાહ 60 મીટરની ઊંચાઈએથી પ્રચંડ વેગ સાથે પસાર થઈ રહ્યો હતો. ઘડીના છઠ્ઠાભાગમાં હાલાત બદલી ગયા અને સ્કૂલનનો એલાર્મ ચાલું કરી દેવામાં આવ્યો. યુદ્ધના ધોરણે શિક્ષકોને આદેશ આપતા કહ્યું કે, દરેક ક્લાસરૂમમાંથી વિદ્યાર્થીઓને બાહર લઈ જાવ. ક્લાસરૂમ ખાલી કરાવી દો. સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન પર જાણ કરવામાં આવી કે, સ્કૂલ સુધી બસ લાવવાની જરૂર નથી, વિદ્યાર્થીઓને ફરી એના ઘરે ડ્રોપ કરી દો. બસ પાછી વાળી દો. પણ એક બસ જોખમી ગણાતો પૂલ પાર કરી ગઈ હતી. એક બાળકી બેભાન થઈ જતા બાઈક મારફતે તેને સુરક્ષિત સ્થાને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. બાકીના વિદ્યાર્થીઓએ દોટ મૂકી અને સુરક્ષિત સ્થાને ખસી ગયા.
સ્કૂલ કાટમાળમાં ફેરવાઈ
પ્રિન્સિપાલ છેલ્લે રહ્યા હતા જેથી કોઈ વિદ્યાર્થી પાછળ ન છૂટી જાય. અંતમાં તેઓ પણ દોડી ગયા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા. આ સ્થળ એટલી ઊંચાઈ પર હતું કે, નદીનો પ્રવાહ પહોંચી શકે એમ ન હતો. બોધી વૃક્ષના આશ્રયમાં પહોંચ્યા પછી તેઓના શ્વાસમાં શ્વાસ આવ્યા હતા, ત્યારે પૂરના પાણીએ શાળાને ઘેરી લીધી. થોડીવારમાં, પ્રચંડ પ્રવાહે આખી ઇમારતને તણાવી દીધી. જ્યાં થોડા સમય પહેલા બાળકો જ્યાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યાં હવે ફક્ત કાદવ, કાટમાળ અને પાણીનું ભયાનક દ્રશ્ય હતું. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા લેવામાં આવેલા સમયસરના નિર્ણયથી 1,643 બાળકો અને લગભગ બધા શિક્ષકો બચી ગયા, છતાં તે તેના બે સાથીદારોને આ દુર્ઘટનાનો ભોગ બનતા અટકાવી શક્યો નહીં. શાળાના ચોકીદાર, સુલતાન લામાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. તે શાળાના દરવાજા બંધ કરવા પાછો ગયો હતો.
ફરિશ્તા સમાન આચાર્ય
દવાડીને લોકો એક ફરિશ્તાની જેમ જોઈ રહ્યા છે. પણ તે એવું માને છે કે, આ સામાન્ય સમજનું કામ છે. કાટમાળમાં ફેરવાઈ ગયેલી સ્કૂલને જોઈ તે માત્ર એટલું બોલી શક્યા કે, હું આમ પણ શું કરી શકું એમ હતો? માત્ર એક જ વાત દિમાગમાં ચાલતી હતી કે, પાણીનો પ્રવાહ પહોંચે એ પહેલા બાળકો-વિદ્યાર્થીઓને બચાવવાના છે.સુરક્ષિત સ્થળે ખસેડવાના છે. ઘડીના છઠ્ઠા ભાગમાં લીધેલા નિર્ણયથી આજે 1643 પરિવારના સંતાનો સુરક્ષિત છે અને ચિરાગ ઝળહળી રહ્યા છે. ઘટના એ સાબિત કરે છે કે, આફતના સમયે કોઈ મશીન કે રાહત સેવા કરનાર ટુકડી જ જીવ નથી બચાવતી. સમયસર જાણકારી મળે તો યુદ્ધના ધોરણે નિર્ણય લઈ એક્શન લેવું જરૂરી છે. સુરક્ષિત સ્થળે ખસી જવું જરૂરી છે.
સર્વત્ર કાટમાળનું સામ્રાજ્ય
આ વિનાશક પૂર નેપાળ-તિબેટ સરહદ નજીકના પર્વતોમાં ઉદ્ભવ્યું હતું. લેંગટાંગ લિરુંગ શિખર પરથી બરફ અને ખડકોનો એક વિશાળ ભાગ તૂટી પડ્યો અને લગભગ 1,200 મીટર નીચે લેન્ડે નદીની ઉપરની ખીણમાં ડૂબી ગયો. ત્યારબાદ, પાણી, બરફ, ખડકો અને માટીનો એક ઝડપી પ્રવાહ નીચે તરફ વહેતો હતો, જે તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને વહાવી દેતો હતો. ગામડાઓ, રસ્તાઓ, પુલો અને અસંખ્ય પાવર પ્રોજેક્ટ્સ નાશ પામ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રી ડેનિયલ શુગરે અંદાજ લગાવ્યો હતો કે બરફ અને ખડકોનો તૂટી પડેલો જથ્થો લગભગ 50 એકર વિસ્તારને આવરી લે છે - જે લંડનના ગ્રીન પાર્કના કદ જેટલો છે.