ભુજ
નવનિર્મિત મુન્દ્રા હવાઈ મથક પરથી વિસ્તૃત કરવામાં આવેલી એર ટેક્સી સેવાને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સસ્તા ભાડાં અને ઝડપી મુસાફરીના કારણે આગામી સપ્ટેમ્બર માસનું તમામ એડવાન્સ બુકિંગ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયું છે.
મુન્દ્રાથી હાલ સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત જેવાં મહાનગરો માટે નિયમિત વિમાની સેવાઓ ચાલી રહી છે. આ સફળતા બાદ, છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી એર ટેક્સી સેવાના રૂટમાં વિસ્તરણ કરીને તેને વડોદરા, જામનગર, રાજકોટ અને દીવ જેવાં પ્રવાસન તથા ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડવામાં આવી છે.
આ સેવામાં રાજકોટ માટે અંદાજે રૂ. ૫૦૦ થી ૬૦૦ અને દીવ માટે રૂ. ૬૦૦ થી ૭૦૦ જેટલું અત્યંત કિફાયતી ભાડું રાખવામાં આવ્યું છે. એકસાથે બે મુસાફરો ૭ કિલોગ્રામ સામાન સાથે આ એર ટેક્સીમાં પ્રવાસ કરી શકે છે. સેવાના પ્રારંભિક દિવસે વડોદરા, રાજકોટ અને દીવ રૂટ પર ચાર ફેરા સફળતાપૂર્વક પૂર્ણ કરાયા હતા. જોકે, ટેક્નિકલ અને વહીવટી કારણોસર પ્રથમ દિવસે બે ફ્લાઇટ્સ રદ થતાં અગાઉથી બુકિંગ કરાવનારા કેટલાક પ્રવાસીઓને અગવડ વેઠવી પડી હતી.
ઉત્સવ વૈદ્ય