કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશકારી પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. પૂરના ચાર દિવસ પછી પણ મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. નેપાળ સરકારના આંકડા મુજબ, આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ 2,426 જેટલા લોકો લાપતા હોવાનું નોંધાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે નેપાળ કેટલી મોટી ત્રાસદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન અમુક બનાવોથી માનવતાને નીચાજોણું થાય તેવી સ્થિતિ છે.
આ ભયાનક હોનારત વચ્ચે માનવતાને લજવે તેવી કરતી કેટલીક ઘટનાઓ પણ બહાર આવી છે. ત્રિશૂલી નદીના કિનારે પૂરમાં તણાઈને આવેલા એક બેંક લોકરને કેટલાક લોકોએ તોડીને તેમાંથી તમામ રોકડ રકમ કાઢી લીધી હોવાના અહેવાલો મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યા છે. આ ગુનામાં પોલીસે કાર્યવાહી કરીને કુલ 29 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 92 લાખ 68 હજાર 505 નેપાળી રૂપિયા રિકવર કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં પવન પૌડેલ, વીરબહાદુર રાના મગર, વિનોદ ગિરી, નવરાજ ભેટુવાલ, પૂર્ણલાલ શ્રેષ્ઠ અને વિષ્ણુમણિ અધિકારી સહિતના અન્ય લોકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત માનવીય સંવેદનાઓને હચમચાવી દે તેવી બીજી એક ઘટનામાં એક મડદા પરથી દાગીના ચોરવાનો કિસ્સો નોંધાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક શખ્સ પૂરમાં તણાઈ આવેલા એક મહિલાના મૃતદેહના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢતો જોવા મળ્યો હતો. આ અમાનવીય કૃત્ય બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને કડક પૂછપરછ હાથ ધરી છે.
નેપાળ પર તોળાઈ રહેલો આ કુદરતી ખતરો હજુ ટળ્યો નથી. તાજેતરની માહિતી મુજબ, તિબેટ પાસે વધુ એક સરોવર ફાટવાની ઘટના સામે આવી છે. આ કારણે નેપાળમાં ફરી એકવાર અચાનક પૂર આવવાની પ્રબળ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અને બચાવ કામગીરી માટેની ટીમોને પણ સાબદી રાખવામાં આવી છે.