Wed Sep 02 2026

Logo

વરસાદની ખેંચ વચ્ચે મોટા સમાચાર: સૌરાષ્ટ્રના આ બે જિલ્લા માટે સૌની યોજના મારફતે પાણી છોડવા સરકારની મંજૂરી

2026-08-29 18:48:12
Author: Devayat Khatana
વરસાદની ખેંચ વચ્ચે મોટા સમાચાર: સૌરાષ્ટ્રના આ બે જિલ્લા માટે સૌની યોજના મારફતે પાણી છોડવા સરકારની મંજૂરી

અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની ખેંચથી ખેડૂતો અને પશુપાલકો બંને માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, આ મુદ્દે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખંભાળિયા ખાતે સત્યાગ્રહનો આરંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે.  

સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે.  આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે.  

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે.  સરકારના આ નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતના 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'ની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતો અને પશુપાલકોની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગણી તરીકે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, અમરેલી સહિતના અછતગ્રસ્ત જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના પ્રભાવિત તાલુકાઓને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. બીજી માંગણી હેઠળ, વાવણી બાદ વરસાદ ખેંચાવાને લીધે સુકાઈ રહેલા પાકને બચાવવા માટે સૌની યોજના, નર્મદા નહેર કે અન્ય સિંચાઈ સ્ત્રોતો મારફતે તાત્કાલિક ડેમો ભરીને પાણી છોડવાની રજૂઆત કરી છે. ત્રીજી માંગણી અંતર્ગત પશુઓ માટે માત્ર નજીવા કાર્ડ આપવાના બદલે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા અને ચોથી માંગણી હેઠળ અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના વીજળી બિલો સંપૂર્ણપણે માફ કરવાની માંગ મૂકી છે.