Wed Sep 16 2026

Logo

સુરતમાં માતાએ દીકરાને દીકરી સાથે મસ્તી કરવાની પાડી ના, માત્ર 15 મિનિટ બહાર ગઈને પછી......

2026-09-01 22:09:01
Author: Mayur Patel
સુરતમાં માતાએ દીકરાને દીકરી સાથે મસ્તી કરવાની પાડી ના, માત્ર 15 મિનિટ બહાર ગઈને પછી......

પ્રતીકાત્મક તસવીર


સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં મસ્તી કરવા બાબતે માતાએ ઠપકો આપતાં ક્ષણિક આવેશમાં આવીને 13 વર્ષીય સગીરે માતાના જ દુપટ્ટા વડે સીડીની ગ્રીલ સાથે લટકી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, રાંદેરની ભુવનેશ્વરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતા નરેશભાઈ પટેલનો 13 વર્ષીય પુત્ર  ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. મૃતક અને તેની મોટી બહેન ઘરમાં મસ્તી-મજાક કરી રહ્યા હતા ત્યારે માતાએ બંનેને ઠપકો આપ્યો હતો.

ઠપકો આપ્યા બાદ માતા દસ્તાવેજી કામકાજ અર્થે બહાર ગયાં હતાં અને બહેન સોસાયટીમાં ગઈ હતી. આ દરમિયાન માતાના ઠપકાથી લાગી આવતાં ઘરની બહાર સીડીની ગ્રીલ પર માતાના દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. માત્ર 15 મિનિટમાં કામ પતાવીને પરત ફરેલી માતાએ પુત્રને લટકતી હાલતમાં જોતાં જ ચીચીયારીઓ પાડી મૂકી હતી.

માતાની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કિશોરને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.