Wed Sep 09 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ: આગ્રાથી મુખ્ય સૂત્રધાર ઉમેદસિંહની SMCએ ક્યાંથી ધરપકડ કરી? કોન્સ્ટેબલ પણ ઝડપાયો

2026-09-01 22:13:34
Author: Mayur Patel
ભાવનગર લઠ્ઠાકાંડ: આગ્રાથી મુખ્ય સૂત્રધાર ઉમેદસિંહની SMCએ ક્યાંથી ધરપકડ કરી? કોન્સ્ટેબલ પણ ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર


ભાવનગર: શહેરમાં ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડ મામલે પોલીસને મોટી સફળતા સાંપડી છે. આ ચકચારી કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે આ પ્રકરણના મુખ્ય અને મોટા ખેલાડી ગણાતા આરોપી ઉમેદસિંહની ઉત્તર પ્રદેશના આગ્રાથી ધરપકડ કરી લીધી હતી. ભાવનગરમાં સપ્લાય કરવામાં આવેલો ઝેરી મિથેનોલ કેમિકલનો જથ્થો આગ્રાથી આ ઉમેદસિંહ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્સ્ટેબલ પણ ઝડપાયો હતો.

ભાવનગર જિલ્લાના સનેશ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ચકચારી લઠ્ઠાકાંડ મામલે સંડોવણી હોવાના કારણે SMC ની ટીમ દ્વારા સનેશ પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. લઠ્ઠાકાંડ જેવા ગંભીર પ્રકરણમાં પોલીસકર્મીની જ સંડોવણી ખુલતા અને વિભાગીય કડક પગલાં લેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

​આરોપી ઉમેદસિંહની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તેને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કેમિકલ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં જોડાણ ધરાવતા અન્ય આરોપીઓ અને નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નકલી દારૂકાંડના 14 આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. તમામ 14 આરોપીને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. એસએમસીએ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનથી ઝડપાયેલા રઈશ અંસારી સહિત અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ કરી છે.

ઓગસ્ટ 2026 માં ભાવનગરના વરતેજ વિસ્તારમાં સર્જાયેલો લઠ્ઠાકાંડ એ વાસ્તવમાં બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ઘાતક કેમિકલ ભરીને વેચવાનું એક મોટું કૌભાંડ હતું. બુટલેગરોએ અમદાવાદના સરખેજથી કેમિકલ અને ખાલી બોટલો મંગાવી હતી, જ્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક વ્યક્તિને બોલાવી વરતેજમાં આ મોતનું મિશ્રણ તૈયાર કરાવ્યું હતું. આ ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. અસરગ્રસ્તોના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ કેમિકલ મળી આવ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત જીવલેણ સાબિત થયું હતું.