Fri Sep 04 2026

Logo

ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઉછળીને 95ની અંદર

2026-09-01 19:58:05
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઉછળીને 95ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં જોવા મળેલો 7.8 ટકાનો આકર્ષક જીડીપી વૃદ્ધિદર, અંકુશ હેઠળ રહેલી રાજકોષીય ખાધ અને સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધ સામે 43 પૈસા મજબૂત થયા બાદ અંતે 27 પૈસાના ઉછાળા સાથે 95ની સપાટીની અંદર અંદાજે બે મહિનાની ઊંચી 94.95ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોનાં જણાવ્યાનુસાર તાજેતરમાં એમએસસીઆઈ આધારિત આંતરપ્રવાહ વધુ રહ્યો હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયાના સુધારાને કામચલાઉ ધોરણે ટેકો મળ્યો છે. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.22ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.06ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.10 અને ઉપરમાં 94.79 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 27 પૈસા વધીને 94.95ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત થયો હતો. 

એકંદરે આજે અપેક્ષા કરતાં સારા આવેલા આર્થિક ડેટાઓ અને રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના વધેલા ભાવને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના વધતા ભાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે તંગ નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળી શકે છે. તેમ છતાં અમેરિકા-ઈરાનનો ભૂરાજકીય તણાવ હળવો થાય તો રૂપિયાને ટેકો મળી શકે છે. અમારા મતે રૂપિયો 94.65થી 95.25ની રેન્જમાં રહે તેમ જણાય છે. 

આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.97 ટકા વધીને બેરલદીઠ 92.27 આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ 0.15 ટકા વધીને 99.58 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 12.99 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 24.60 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 7985.88 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.