Thu Sep 03 2026

Logo

ગણેશોત્સવ: પીઓપી મૂર્તિના વિસર્જનને લઈને નિયમો યથાવત

2026-09-01 22:33:00
Author: Sapna Desai
ગણેશોત્સવ: પીઓપી મૂર્તિના વિસર્જનને લઈને નિયમો યથાવત

છ ફૂટ સુધી મૂર્તિ કૃત્રિમ અને તેનાથી ઊંચી મૂર્તિ કુદરતી સ્રોતમાં વિસર્જન કરી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગણેશોત્સવ નજીક આવી ગયો છે ત્યારે પ્લાસ્ટર ઑફ પેરિસ (પીઓપી)ની મૂર્તિના વિસર્જનને લઈને મુંબઈના સાર્વજનિક ગણેશમંડળો અવઢવમાં હતા પણ મુંબઈ હાઈ કોર્ટનો જયાં સુધી અંતિમ નિકાલ આવે નહીં ત્યાં સુધી  ગયા વર્ષે વિસર્જનને લઈને જે નિયમ હતા  તે જ નિયમો આ વર્ષે પણ લાગુ પડશે એવી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. તે મુજબ આ વર્ષે પણ છ ફૂટ સુધીની પીઓપીની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં અને છ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિનું વિસર્જન દરિયામાં કરી શકાશે.  તેથી મંડળોએ હાલ પૂરતી રાહત અનુભવી છે.

રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગે મંગળવારે એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું અને રાજ્યની તમામ સ્વરાજ્ય સંસ્થા એટલે કે પાલિકા સહિત પંચાયતોને આ સૂચનાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકારે કોર્ટ જયાં સુધી અંતિમ નિકાલ આપે નહીં આ સૂચના લાગુ પડશે એવું જાહેર કર્યું હતું. 

પીઓપીની મૂર્તિઓના વિસર્જનને લઈને કોર્ટમાં જનહિતની અરજી પણ હાઈ કોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે, જેમાં ૧૪ ઑગસ્ટના કોર્ટે નિકાલને રાખી મૂક્યો હતો.  તેથી અંતિમ નિર્ણય આવે નહીં ત્યાં સુધી કોર્ટની મંજૂરી વગર પીઓપીની મૂર્તિનું વિસર્જન નૈસર્ગિક સ્રોતમાં કરી શકાય નહીં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ગણેશોત્સવ નજીક હોવાથી ગણેશમંડળો સાથે જ રાજય સરકારની ચિંતા વધી ગઈ હતી.

છેવટે રાજ્ય સરકારે કોર્ટને આ વર્ષના ગણેશોત્સવ માટે નિયમ સ્પષ્ટ કરવાની વિનંતી કરી હતી ત્યારબાદ ૨૦ ઑગસ્ટના હાઈ કોર્ટે ગયા વર્ષે ૨૪ જુલાઈ, ૨૦૨૫નો આદેશ અંતિમ નિકાલ આવે ત્યાં સુધી લાગુ રહેશે એવી સ્પષ્ટતા કરી હતી. તે મુજબ છ ફૂટ સુધીની પીઓપીની મૂતિ કૃત્રિમ તળાવમાં તો તેનાથી ઊંચી મૂર્તિનું વિસર્જન નૈસર્ગિક સ્રોતમાં કરવાની મંજૂરી આપી હતી.