(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં સાધારણ નવ સેન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 77 રિંગિટનો સુધારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1510 અને રૂ. 1490 તથા સન રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1745, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1480 અને સન રિફાઈન્ડના રૂ. 1780, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1505, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1465, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1555 અને સોયા રિફાઈન્ડના ઑક્ટોબર-નવેમ્બર ડિલિવરી શરતે રૂ. 1480 તથા રિલાયન્સ રિટેલના ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1510 અને સપ્ટેમ્બર તથા ઑક્ટોબર ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1775 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 1300 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં થયા હતા. જોકે રાજકોટની મંડી જન્માષ્ટમી નિમિત્તે તા. 2થી 7 સપ્ટેમ્બર દરમિયાન બંધ રહેશે. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 40,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5600થી 5950માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5900થી 5950માં થયા હતા. તેમ જ આજે રાજકોટ ખાતે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2680માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1690માં થયા હતા.
આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1505, સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1770, સિંગતેલના રૂ. 1740, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680 અને સરસવના રૂ. 1765ના મથાળે રહ્યા હતા.