Sat Sep 05 2026

Logo

ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ રૂ. 33નો ઉછાળો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

2026-09-01 20:02:13
Author: Ramesh Gohil
ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ રૂ. 33નો ઉછાળો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને પ્રબળ માગને ટેકે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 33નો ઉછાળો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લે-વેચ અને વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે ઝિન્ક સ્લેબ, કોપર વાયરબાર, કોપર સ્ક્રેપ હેવી અને કોપર કેબલ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. બેથી છનો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં કિલોદીઠ રૂ. એકથી છનો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, ઝિન્ક સ્લેબ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 33 વધીને રૂ. 5444, રૂ. છ વધીને રૂ. 431 અને રૂ. પાંચ વધીને રૂ. 1465ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 1368 અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 1377ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. 1637, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. 1265 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 351ના મથાળે રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.