(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશે વિસર્જન દરમ્યાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી ગંદુ પાણી નીચેથી પસાર થતી ગણેશમૂર્તિ પર ના પડે તે માટે મુંબઈ મહાનગપાલિકા ખાસ ચાર દિવસની ઝુંબેશ હાથ ધરવાની છે, જે અંતર્ગત આવા સ્થળોને શોધીને યોગ્ય પગલા લેવામાં આવશે એવું મુંબઈના મેયર રીતુ તાવડેએ મંગળવારે કહ્યું હતું.
મંગળવારે મુંબઈ મહાનગરપાલિકાની સાથે ગણેશોત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી, એ દરમ્યાન મુંબઈના રસ્તા પરના ખાડા તથા મુંબઈના ફ્લાયઓવર પરથી વરસાદમાં પડતા પાણીને કારણે નીચેથી પસાર થતી ગણેશમૂર્તિઓ અપવિત્ર થઈ જતી હોવા મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં પાલિકાએ રસ્તાના પરના ખાડાની સમસ્યા તરત ઉકેલી દેવાનું આશ્ર્વાસન આપ્યું હતું. તેમ જ ગણેશ વિસર્જનના માર્ગ પર આવતા તમામ ફ્લાયઓવર બ્રિજ પર રહેલી પાણીના ગળતરની સમસ્યાને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને તેમ માટે ચાર દિવસ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે એવું મેયરે જણાવ્યું હતું.
સમન્વય સમિતિના પદાધિકારીએ જણાવ્યું હતું કે અનેક જગ્યાએ સિમેન્ટ-કૉંક્રીટીકરણ અને ડામરીકરણના કારણે રસ્તા ઊંચા-નીચા થઈ ગયા છે તે બાબતે ગણેશમંડળોએ ચિંતા વ્યક્ત કરી છે તે બાબતે પાલિકાનું ધ્યાન દોરવામાં આવ્યું છે.