Tue Sep 15 2026

Logo

અમદાવાદમાં ગેરકાયદે અતિક્રમણ સામે તંત્રની લાલ આંખઃ લારીઓ-ટેબલ સહિત 119 ચીજવસ્તુઓ જપ્ત, જુઓ વીડિયો

2026-09-01 20:34:42
Author: Mayur Patel
અમદાવાદમાં ગેરકાયદે અતિક્રમણ સામે તંત્રની લાલ આંખઃ લારીઓ-ટેબલ સહિત 119 ચીજવસ્તુઓ જપ્ત, જુઓ વીડિયો

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે અતિક્રમણ  સામ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. શહેરના અત્યંત વ્યસ્ત માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદે અતિક્રમણ  સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી કરી હતી. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમે કાલુપુર રેલવે સ્ટેશનથી લઈને ગીતામંદિર બસ સ્ટોપ સુધીના સંવેદનશીલ અને સતત ટ્રાફિક ધરાવતા રૂટ પર મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન રસ્તા રોકીને બેઠેલા વેપારીઓ સામે લાલ આંખ કરીને કુલ 119 જેટલી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા 21 છતવાળી લારીઓ, 19 વેપારી ટેબલ અને 16 પ્લાસ્ટિકના સ્ટૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છ મોટી છત્રીઓ, ત્રણ કાઉન્ટર, ચાર ગેસના સગડા અને ત્રણ એલપીજી સિલિન્ડર પર જપ્ત કર્યા હતા.દબાણ તરીકે ઉપયોગમાં લેવાતા માલસામાનને દૂર કરવાથી રસ્તા અને રાહદારીઓ માટે ઉપલબ્ધ જગ્યા વધારવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેશન શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ હોવાથી અહીં દૈનિક લાખો મુસાફરો તથા વાહનોની અવરજવર રહે છે. ફૂટપાથ પર ગેરકાયદે વેપાર અને પથારાના કારણે રાહદારીઓને જોખમી રીતે રસ્તા વચ્ચે ચાલવાની ફરજ પડતી હતી, જેના લીધે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કડક કામગીરીથી બંને મુખ્ય વિસ્તારોના રસ્તાઓ અને ફૂટપાથ ખુલ્લા થતાં ટ્રાફિક પ્રવાહ સરળ બન્યો હતો.