Fri Sep 04 2026

Logo

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: છૂટક તેલના વેપારીઓને મળી એક વર્ષની રાહત

2026-09-01 20:20:20
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: છૂટક તેલના વેપારીઓને મળી એક વર્ષની રાહત

મુંબઈ: મહારાષ્ટ્રમાં છૂટક તેલના વેચાણને લઈને ચાલી રહેલા મુદ્દા વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે વેપારીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખુલ્લા તેલનો વેપાર કરતા પરંપરાગત વેપારીઓને હાલ પૂરતી એક વર્ષની હંગામી છૂટ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ રાહત માત્ર એક વર્ષ માટે જ રહેશે અને ત્યારબાદ નિયમોનું પાલન કરવું તમામ વેપારીઓ માટે ફરજિયાત રહેશે.

આ મુદ્દે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ખુલ્લા તેલના વેચાણને નિયંત્રિત કરવા માટે વર્ષ 2011માં કાયદો બનાવવામાં આવ્યો હતો. સરકાર માટે તેલની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. 

જોકે મુખ્ય પ્રધાને એ પણ સ્વીકાર્યું કે આજે પણ મોટી સંખ્યામાં ગરીબ અને સામાન્ય લોકો ખુલ્લું તેલ ખરીદે છે. આવી સ્થિતિમાં માત્ર કાયદાનો કડક અમલ કરવો પૂરતો નથી, પરંતુ સામાન્ય ગ્રાહકો તેમ જ વર્ષોથી આ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની મુશ્કેલીઓનું પણ સમાધાન કરવું જરૂરી છે.

સરકાર હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અને વેપારીઓના પ્રતિનિધિઓની સંયુક્ત સમિતિ બનાવશે. આ સમિતિ પરંપરાગત રીતે ખુલ્લું તેલ વેચતા વેપારીઓએ નવા નિયમોનું પાલન કરવા માટે પોતાના વ્યવસાયમાં કયા પ્રકારના ફેરફારો કરવા પડશે, તેનો અભ્યાસ કરશે. 

વેપારીઓને નવા નિયમો અનુસાર વ્યવસાયમાં જરૂરી ફેરફારો કરવામાં કોઈ મુશ્કેલી પડે તો સરકાર તરફથી શક્ય તેટલી મદદ કરવામાં આવશે. સરકારનો હેતુ કાયદાનો અમલ કરાવવાની સાથે વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંનેના હિતનું સંતુલન જાળવવાનો છે.

સરકારે હાલ વેપારીઓને એક વર્ષની અસ્થાયી રાહત આપી છે. જોકે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે આ મુદત પૂર્ણ થયા બાદ ફરીથી સમયમર્યાદા વધારવામાં આવશે નહીં. આ એક વર્ષ દરમિયાન ખુલ્લા તેલનો વેપાર કરતા વેપારીઓએ પોતાના વ્યવસાયને લાગુ પડતા નવા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ઢાળવો પડશે. એક વર્ષ પૂર્ણ થયા બાદ તમામ વેપારીઓ માટે કાયદાનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સરકારના આ નિર્ણયથી એક તરફ છૂટક તેલની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષાને મહત્વ મળશે, તો બીજી તરફ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પરંપરાગત વેપારીઓને નિયમો અનુસાર વ્યવસાયમાં જરૂરી ફેરફારો કરવા માટે પણ પૂરતો સમય મળી શકશે.