સ્થાનિક સોનામાં રૂ. 2652નો અને ચાંદીમાં રૂ. 6780નો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના રોજગારીનાં ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 2.3 ટકાનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 6780નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ 2641થી 2652નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6780ના ઘટાડા સાથે રૂ. 2,30,419ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ વૈશ્વિક નરમાઈતરફી નિર્દેશો અને રૂપિયાની મજબૂતી સાથે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2641ના ઘટાડા સાથે રૂ. 1,52,570 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2652ના ઘટાડા સાથે રૂ. 1,53,183ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 4386.37 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 4435.10 ડૉલર આસપાસ તથા ચાંદીના હાજરમાં ભાવ 2.3 ટકા ઘટીને આૈંસદીઠ 64.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે મધ્યપૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવમાં વધારાની સાથે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવતા વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને જાન્યુઆરી, 2025 પછીની ઊંચી સપાટીએ પહોંચતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કનાં વિશ્લેષક ઑલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે ગત શુક્રવારે તંગ નાણાનીતિનો સંકેત આપ્યો હોવાને કારણે પણ યિલ્ડના વધારાને ટેકો મળ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પશ્ચાત્ વૈશ્વિક સોનામાં ત્રણ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએથી પટકાઈ ગયા હતા. વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને વ્યાજદર અંગે પત્રકાર વર્તુળો દ્વારા પૂછવામાં આવતા તેમણે કેવિન વાર્શ જે નિર્ણય લેશે તે યોગ્ય હશે એમ જણાવ્યું હતું.
જોકે, આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના એડીપી રોજગારીનાં અને શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.