Mon Aug 31 2026

Logo

નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચેથી પાછું ફર્યું

2026-08-25 19:36:57
Author: Ramesh Gohil
નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચેથી પાછું ફર્યું

સ્થાનિક સોનામાં રૂ. 113નો ઘસરકો, ચાંદી રૂ. 3493 ઘટી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારા ઉપરાંત અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 113નો ઘસરકો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં વધુ કિલોદીઠ રૂ. 3493નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3493ના ઘટાડા સાથે રૂ. 2,41,848ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 26 પૈસા મજબૂત થતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 113ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,61,392 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,62,041ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ જે ગત 14મી મે પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા તે ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4640.40 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આૈંસદીઠ 4696.10 ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 68.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
 
અમેરિકી ટ્રેઝરીના પ્રવાહિતા વધારવા માટે લાંબાગાળાની ટ્રેઝરીમાં બાયબેકના કાર્યક્રમની જાહેરાત પશ્ચાત્‌‍ રોકાણકારોનું સોનામાં આકર્ષણ વધતાં તેજી જોવા મળ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાની સાથે મુખ્યત્વે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સાક્સો બૅન્કના વિશ્લેષક ઓલે હસને જણાવ્યું હતું. 

હવે રોકાણકારોની નજર આવતીકાલે (બુધવારે) જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના અથવા તો પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પર અને આગામી શુક્રવારના અમેરિકી ફેડરલ રિઝર્વનાં જેક્સન હોલ ખાતેના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જેમાં શક્યત ફેડરલના અધ્યક્ષ આગામી નાણાનીતિના કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર બજારની નજર રહેશે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 40 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.