Mon Aug 31 2026

Logo

શ્રીલંકાએ ફૉલો-ઑન થવું પડ્યું, નવા સ્પિનર સારાંશ જૈનની કરીઅરની પહેલી બે વિકેટ

Colombo   2026-08-26 11:10:46
Author: Ajay Motiwala
શ્રીલંકાએ ફૉલો-ઑન થવું પડ્યું, નવા સ્પિનર સારાંશ જૈનની કરીઅરની પહેલી બે વિકેટ

બીજા દાવની શરૂઆતમાં જ સિરાજ ત્રાટકયો


કોલંબો: ભારત સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં પરાજયથી બચવા માટે મરણિયા પ્રયાસો કરી રહેલી શ્રીલંકાની ટીમે આજે ચોથા દિવસે ફૉલો-ઑન થવું પડ્યું છે. બીજા દાવના આરંભમાં જ મોહમ્મદ સિરાજ ત્રાટકયો હતો અને તેણે કુલ 12મા રને અને પહેલી વિકેટ અપાવી હતી.

ભારતના 9/503ના સ્કોરના જવાબમાં ધનંજય ડિસિલ્વાની ટીમે ફૉલો-ઑનથી બચવા 304 રનના સ્કોર સુધી પહોંચવું જરૂરી હતું, પરંતુ તેની ટીમ 290 રનના સ્કોર પર ઑ ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે 213 રનની સરસાઈ મેળવી છે અને આ મેચ પણ જીતીને (મેઘરાજા ન નડે તો) યજમાન ટીમનો 2-0થી વાઈટ વૉશ કરશે એ લગભગ નક્કી જણાય છે.

પહેલા દાવમાં શ્રીલંકાનો બૅટ્સમૅન સોનાલ દિનુશા સેન્ચુરી કર્યા બાદ આઉટ થયો હતો. તેણે 162 બૉલમાં 103 રન કર્યા હતા.

ભારતીય ટીમના નવા ટેસ્ટ ખેલાડી અને ઑફ સ્પિનર સારાંશ જૈને છેલ્લી ઉપરાઉપરી બે વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોમાંચક સ્થિતિમાં ખાતુ ખોલાવ્યું હતું. તેની આ બે વિકેટને લીધે શ્રીલંકાએ ફૉલો-ઑન થવાની ફરજ પડી હતી, કારણ કે શ્રીલંકા ફૉલો-ઑન ટાળવાથી 14 રન દૂર રહી ગયું હતું.