Sun Sep 13 2026

Logo

નેપાળમાં બચાવ કામગીરી વચ્ચે પૂરમાં ડૂબેલી બેંકમાં રૂ. 50 કરોડનું સોનું અને દોઢ કરોડ રોકડા મળ્યા

Kathmandu   2026-08-31 12:41:00
Author: Mumbai Samachar Team
નેપાળમાં બચાવ કામગીરી વચ્ચે  પૂરમાં ડૂબેલી બેંકમાં રૂ. 50 કરોડનું સોનું અને દોઢ કરોડ રોકડા મળ્યા

કાઠમંડુઃ નેપાળમાં જળપ્રલય બાદ હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન નુવાકોટના ત્રિશૂલી સ્થિત કૃષિ વિકાસ બેંકની શાખામાંથી 50 કરોડનું સોનું અને દોઢ કરોડ રોકડા સહિત ઘણા મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. 

પોલીસે જણાવ્યું કે, 8 કલાકના સતત પ્રયાસ બાદ સોના-ચાંદી, રોકડા અને કિંમતી સામાન અહીંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારમાં સાવધાની રાખવામાં આવી હતી. 

ક્યાં આવેલી છે બેંક

નુવાકોટના ત્રિશૂલી ખાતે આવેલી કૃષિ વિકાસ બેંકની શાખા ભોટેકોશી નદીના કિનારે આવેલી છે. 26 ઑગસ્ટે આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી, જેમાં બેંકની આ શાખા પણ સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. પૂરના પ્રવાહમાં બેંકમાંથી રોકડ અને સોનું-ચાંદી તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. જોકે, પૂર ઓસર્યા બાદ બચાવ કામગીરી દરમિયાન જ્યારે ટીમે બેંકમાં શોધખોળ શરૂ કરી, ત્યારે આશરે 8 કલાકની ભારે જહેમત બાદ 50 કરોડ રૂપિયાનું સોનું અને દોઢ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે રિકવર કરાયેલી આ તમામ કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. ભોટેકોશી નદીમાં આવેલા પૂરના પાણીનું સ્તર વધવાથી બેંક પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. બેંકમાંથી આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવતાં આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. હાલ પોલીસ અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આ કિંમતી સામાન સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તેમજ બચાવ કામગીરી ચાલી રહી છે.

નેપાળના રસુવામાં આવેલા વિનાશક પૂર બાદ રાહત, શોધ અને બચાવ કામગીરી સતત ચાલુ છે. નેપાળના ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDRRMA) ના 31 ઑગસ્ટ 2026ના રોજ સવારે 9 વાગ્યા સુધીના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 903 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજુ પણ 4,247 લોકો લાપતા હોવાની નોંધ થઈ છે. અત્યાર સુધીમાં મળેલા મૃતદેહોમાં રસુવાથી 24, નુવાકોટથી 95, ધાદિંગથી 55, ગોરખાથી 62, નવલપરાસી પૂર્વથી 207, નવલપરાસી પશ્ચિમથી 151, તનહૂંથી 37 અને ચિતવનથી 272 મૃતદેહો સામેલ છે. જેમાં ઘણા અજાણ્યા માનવ અવશેષો પણ સામેલ છે.

અજાણ્યા મૃતદેહો 21 હોસ્પિટલોમાં રખાયા

પ્રાધિકરણે જણાવ્યું કે અજાણ્યા મૃતદેહોને વિવિધ જિલ્લાઓની 21 હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ અને વ્યવસ્થાપનનું કાર્ય ચાલી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈંધણની ઉપલબ્ધતા હેઠળ 25 હજાર લિટર ડીઝલ, 21 હજાર લિટર પેટ્રોલ અને 10 હજાર લિટર વિમાન ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. ત્રિશૂલી હાઇડ્રોપાવર સહિત ઘણી ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે. ટનલની અંદર આશરે 4 થી 5 ફૂટ સુધી ભીનો કાટમાળ જમા થઈ ગયો હોવાના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રેસ્ક્યુ ટીમના એક સભ્યએ સ્થળ પર ટનલની અંદરની સ્થિતિ દર્શાવતા જણાવ્યું કે કાટમાળ અને પાણીના કારણે બચાવ અભિયાન અત્યંત પડકારજનક બન્યું છે.