Fri Sep 04 2026

Logo

`ખબરદાર જો ઇમરાન ખાન વિશે કંઈ બોલ્યા છો તો!' પાકિસ્તાનના ક્રિકેટરોને બોર્ડની કડક ચેતવણી

Karachi   2026-08-30 18:10:34
Author: Ajay Motiwala
`ખબરદાર જો ઇમરાન ખાન વિશે કંઈ બોલ્યા છો તો!' પાકિસ્તાનના ક્રિકેટરોને બોર્ડની કડક ચેતવણી

કરાચીઃ પાકિસ્તાનના 1992ની સાલના વર્લ્ડ કપ 73 વર્ષીય ચૅમ્પિયન-કૅપ્ટન ઇમરાન ખાન હાલમાં તેમના દીકરાઓના ઇન્ટરવ્યૂ બાદ ફરી ખૂબ ચર્ચામાં છે અને ક્રિકેટ જગતમાં તેમની જ વાતો થઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે ખુદ પાકિસ્તાનના ક્રિકેટરોમાં પણ તેમની જ ચર્ચા થાય, પરંતુ પાકિસ્તાન સરકારના તાબા હેઠળના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને એ જરાય પસંદ નથી અને એટલે જ તેમણે પોતાના ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે કે તમારે ઇમરાન ખાન વિશે કંઈ જ બોલવું નહીં.

ઇમરાન ખાન (Imran Khan) ભ્રષ્ટાચારના આક્ષેપને પગલે જેલમાં બંધ છે. પાકિસ્તાનના ખેલાડીઓ હાલમાં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ રમે છે. શ્રેણી દરમ્યાન બ્રિટિશ પત્રકારોએ કેટલાક પાકિસ્તાની ખેલાડીઓને ઇન્ટરવ્યૂ દરમ્યાન ઇમરાન ખાન વિશે ટિપ્પણી કરવા તરફ પ્રેરિત કર્યા હતા. એ ઉપરાંત સિરીઝના બ્રૉડકાસ્ટર સ્કાય સ્પોર્ટ્સે ઇમરાન ખાનના બે પુત્ર સાથેનો ઇન્ટરવ્યૂ લૉર્ડ્સની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે લંચના બે્રક દરમ્યાન પ્રસારિત કર્યો હતો. પૅટ કમિન્સ સહિત વિશ્વભરના કુલ 23 વર્તમાન અને ભૂતપૂર્વ કૅપ્ટનોએ જેલમાં ઇમરાન ખાનની સરખી કાળજી લેવાની પાકિસ્તાન સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે. આ બાબતોને કારણે ઇમરાન ખાનનો મુદ્દો હાલમાં ખૂબ ચગ્યો છે.

અધૂરામાં પૂરું, પાકિસ્તાનના ખેલાડીઓએ સ્કાય સ્પોર્ટ્સ ચૅનલ પર પ્રસારિત થયેલો ઇમરાન ખાનના પુત્રો સુલેમાન અને કાસિમનો ઇન્ટરવ્યૂ જોયો કે નહીં? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (ઇમરાનના પુત્રોના ઇન્ટરવ્યૂ સામેના વિરોધમાં) ટેસ્ટના બીજા દિવસે લંચ પછી ખેલાડીઓને મેદાન પર નહીં ઊતારવામાં આવે એવી પીસીબીની ધમકી વિશે તમે કંઈ જાણો છો, એવું પૂછાતાં પાકિસ્તાનની ટીમના હેડ-કોચ સરફરાઝ અહમદે બ્રિટિશ પત્રકારને કહ્યું, `અમે બધા બપોરનું ભોજન કરી રહ્યા હતા એટલે એ ઇન્ટરવ્યૂ નથી જોયો. બીજું, અમને રમતના બહિષ્કાર વિશે કંઈ જ જાણ નહોતી કરવામાં આવી.'

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ ભૂતપૂર્વ સાથી ખેલાડી ઇમરાન ખાન વિશે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતાં `ઇમરાન ઇમાનદાર...' એવું બોલીને મિયાંદાદ રડી પડ્યા હતા.