Tue Sep 15 2026

Logo

પ્રિન્સ ચાર્લ્સે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે ઇવેન્ટ રાખી, પણ એક ખેલાડી આવ્યો જ નહીં!

London   2026-09-03 19:56:38
Author: Ajay Motiwala
પ્રિન્સ ચાર્લ્સે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે ઇવેન્ટ રાખી, પણ એક ખેલાડી આવ્યો જ નહીં!

લંડનઃ ઇંગ્લૅન્ડમાં ત્રણ મૅચની ટેસ્ટ શ્રેણીમાં પહેલી બે મૅચ હારીને 0-2થી ટ્રોફી ગુમાવી ચૂકેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ઇંગ્લૅન્ડના રાજવી પરિવારના સર્વોચ્ચ સભ્ય પ્રિન્સ ચાર્લ્સે બુધવારે ક્લૅરેન્સ હાઉસ ખાતે ગેટ-ટુ-ગેધર અને મીટિંગનું આયોજન કર્યું હતું, પરંતુ પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ એમાં હાજરી આપવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બીજી ટેસ્ટની નાલેશી બાદ ટીમમાંથી સાત ખેલાડીઓની તેમ જ હેડ-કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ-કોચની હકાલપટ્ટી કરી એને પગલે પીસીબી ઇચ્છતું હતું કે પ્રિન્સ ચાર્લ્સની મીટિંગમાં તમામ ખેલાડીઓ અને કોચ હાજરી આપે. જોકે એક જાણીતા બ્રિટિશ દૈનિકના અહેવાલ મુજબ એક પાકિસ્તાની પ્લેયરે આ મીટિંગમાં આવવાનું ટાળ્યું હતું.

પ્રિન્સ ચાર્લ્સે તમામ ખેલાડીઓ તેમ જ કોચિંગ-સ્ટાફના મેમ્બર્સ સાથે વાતચીત કરી હતી અને ઇંગ્લૅન્ડ ખાતેની તેમની ટૂર જે રીતે કઠિન બની છે એ બાબતમાં પ્રિન્સે બધાને ઉત્સાહ અપાવતી વાતો કરી હતી.

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે પ્રિન્સ ચાર્લ્સને ગિફ્ટમાં ખેલાડીઓના ઑટોગ્રાફવાળું બૅટ આપ્યું હતું. પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ પણ પ્રિન્સ (Prince)ને બક્ષિસ આપી હતી.