થાણે: નવી મુંબઇમાં ભાડાના મુદ્દે થયેલા વિવાદમાં શસ્ત્રના ઘા ઝીંકીને 18 વર્ષના રિક્ષાચાલકની હત્યા કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સાહિલ આનંદા સુર્વે અને સાહિલ યશવંત ખરાત તરીકે થઇ હતી, જેઓ માનખુર્દ વિસ્તારના રહેવાસી છે.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિકાસ ઘોડકેએ જણાવ્યું હતું કે 29 ઑગસ્ટે આ ઘટના બની હતી. રિક્ષાના ભાડાના મુદ્દે થયેલા વિવાદમાં રિક્ષાચાલકની ઓળખ સુજનકુમાર ફેકુ મહતોની હત્યા કરાઇ હતી, જે ઘનસોલી વિસ્તારમાં રહેતો હતો.
29 ઑગસ્ટે સવારે આરોપીઓ કોપરખૈરાણે રેલવે સ્ટેશન નજીકથી સુજનકુમારની રિક્ષામાં બેઠા હતા અને તેને રિક્ષા માનખુર્દ લઇ જવા માટે કહ્યું હતું.
સુજનકુમારે માનખુર્દ સુધીનું ભાડું 250 રૂપિયા થશે, એવું આરોપીઓને જણાવ્યું હતું. જોકે તેમની પાસે માત્ર 100 રૂપિયા હતા. આને કારણે રિક્ષાચાલક સાથે તેમનો વિવાદ થયો હતો.
વિવાદ ઉગ્ર બનતાં બંનેએ તીક્ષ્ણ હથિયાર કાઢીને રિક્ષાચાલકને ધમકાવ્યો હતો. વાશી પહોંચ્યા બાદ રિક્ષાચાલકને અન્ય ગ્રાહકનો કૉલ આવ્યો હતો. આથી તેણે આરોપીઓને ઊતરી જવા માટે કહ્યું હતું. આથી રોષે ભરાયેલા આરોપીઓએ રિક્ષાચાલક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને તેની રિક્ષા લઇને તેઓ ફરાર થઇ ગયા હતા.
ગંભીર ઇજા પામેલા રિક્ષાચાલકનું બાદમાં મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા અનેક ટીમ તૈયાર કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં મળેલી માહિતીને આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા.
(પીટીઆઇ)