સુરતઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સુરત એક્સપ્રેસવે પર મહારાષ્ટ્ર પાસિંગની કારના ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં 4નાં મોત થયા હતા. મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જતા સમયે કામરેજ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર તમામ 4 લોકોનાં મૃત્યુ થયા હતા.
સુરત જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ-વે પર કામરેજ નજીક માર્ગની સાઈડમાં ટેકનિકલ ખામીના કારણે ઊભેલા એક ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર તમામ 4 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહેલા એક ભારે ડમ્પરમાં અચાનક એર પ્રેશરની સમસ્યા સર્જાઈ હતી. વાહનમાં ટેકનિકલ ખામી ઊભી થતાં ચાલકે તેને રોડ પર જ ઊભું કરી દીધું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સીધી જ ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને કારનો કૂચડો બોલી ગયો હતો. ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસમાંથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા. કારમાં સવાર ચારેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
દુર્ઘટનાના પગલે એક્સપ્રેસ-વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.