Mon Oct 05 2026

Logo

'વેલકમ' ફેમ એક્ટર મુશ્તાક ખાનનું નિધનઃ ફિલ્મ જગત આઘાતમાં

2026-09-24 21:12:18
Author: Mumbai Samachar Team
'વેલકમ' ફેમ એક્ટર મુશ્તાક ખાનનું નિધનઃ ફિલ્મ જગત આઘાતમાં

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું 56 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લિવર કેન્સરની બીમારીથી પીડાતા હતા અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2026ના તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.  

મુશ્તાક ખાન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. અહેવાલો અનુસાર, તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આઈસીયુમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પરિવાર તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ અભિનેતાની અચાનક એક્ઝિટને લઈ ઈન્ડસ્ટ્રીના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો.

મુશ્તાક ખાનને ખાસ કરીને અક્ષય કુમાર અને નાના પાટેકરની ફિલ્મ 'વેલકમ'માં બાલુના પાત્ર માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મમાં તેમનું પાત્ર અને કોમિક ટાઈમિંગ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. ફિલ્મમાં તેમનો એક યાદગાર સંવાદ પણ લોકપ્રિય થયો હતો. 'વેલકમ' ઉપરાંત તેમણે 'હમ હૈં રાહી પ્યાર કે', 'જોડી નંબર 1', 'મુઝસે શાદી કરોગી', 'હેરી ફેરી' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.  

મુશ્તાક ખાને હિન્દી ફિલ્મો ઉપરાંત ટેલિવિઝન અને અન્ય મનોરંજન પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે મુખ્યત્વે સહાયક અને કોમિક ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ દરેક પાત્રમાં તેમની અલગ છાપ જોવા મળતી હતી. ફિલ્મોમાં તેમની સરળ અને કુદરતી કોમિક ટાઈમિંગને કારણે તેઓ દર્શકોમાં પરિચિત ચહેરો બની ગયા હતા. તેમની ફિલ્મોગ્રાફીમાં 'સ્ત્રી 2', 'જાટ', 'ગદર 2', 'બાલા', 'બધાઈ દો' અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મુશ્તાક ખાને પોતાની લાંબી કારકિર્દીમાં અનેક યાદગાર પાત્રો ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. ખાસ કરીને કોમેડી અને સહાયક ભૂમિકાઓમાં તેમની અલગ ઓળખ હતી. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ જગત અને ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેમના પરિવાર તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી હોવાનું પણ કેટલાક અહેવાલોમાં જણાવાયું છે.  

અપહરણની વાતથી પણ આવ્યા હતા ચર્ચામાં

મુશ્તાક ખાન વર્ષ 2024માં અપહરણની ઘટનાને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, દિલ્હી-મેરઠ હાઈવે પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણકર્તાઓએ ખંડણીની માંગ કરી હતી. બાદમાં આ મામલો પોલીસ તપાસ સુધી પહોંચ્યો હતો. જોકે, હાલમાં તેમના નિધનનું મુખ્ય કારણ લિવર કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું.